ગોંડલ તાલુકાના ભોજપરા ગામના સરપંચ પર બે રાઉન્ડ ફાયરીંગ:પોલીસ તપાસ ના ધમધમાટ.
ભોજપરા ગામના સરપંચ ઉપર બે રાઉન્ડ ફાયરીંગ
બનાવના પગલે રાજકોટ રૂરલ એલસીબીનો સ્ટાફ દોડી ગયો
સ્કોર્પીયોમાં આવેલા આરોપીઓ ફરાર થઇ ગયા
ગોંડલ તાલુકાના ભોજપરા ગામના સરપંચ વિપુલ પરમાર ઉપર સ્કોર્પીયો કારમાં આવેલા શખ્સોએ બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ ગોંડલ પોલીસને થતા પીઆઇ, પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. બનાવના પગલે રાજકોટ રૂરલ એલસીબીનો સ્ટાફ દોડી ગયો હતો અને ઘટના અંગે ફરાર થયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ભોજપરા ગામના સરપંચ અને દલિત આગેવાન
બનાવની મળતી વિગત મુજબ ગોંડલ નજીક આવેલા ભોજપરા ગામના સરપંચ અને દલિત આગેવાન વિપુલભાઇ પરમાર આજે ભોજપરાના પાટીયા પાસે હતા તે સમયે બપોરે આશરે બારેક વાગ્યા આસપાસ એક કાળા કલરની સ્કોર્પીયો કારમાં અજાણ્યા શખ્સો આવેલા અને આ શખ્સમાંથી એક આરોપીએ પિસ્તલ જેવા હથિયારમાંથી ધડાધડ બે રાઉન્ડ ફાયરીંગ કરી વિપુલભાઇની હત્યા નિપજાવવા પ્રયાસ કર્યો હતો.
આ રીતે નિષ્ફળ ફાયરીંગ થતા
જોકે સદનસીબે વિપુલભાઇને એક પણ ગોળી વાગી ન હતી અને તેમનો બચાવ થયો હતો. આ રીતે નિષ્ફળ ફાયરીંગ થતા અને લોકો ભેગા થઇ જતા સ્કોર્પીયોમાં આવેલા આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
બનાવના પગલે આસપાસના વિસ્તારમાં ખળભળાટ
બનાવની રાજકોટ રૂરલ પોલીસ કંટ્રોલમાં જાણ કરાતા રૂરલ એલસીબીના પીઆઇ વિજય ઓડેદરા અને તેમની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ફાયરીંગ કરી સ્કોર્પીયોમાં ફરાર થઇ ગયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરાઇ હતી અને જિલ્લામાં નાકાબંધી કરાઇ હતી. હાલ પોલીસે આરોપીઓએ કયા કારણોસર વિપુલભાઇ ઉપર ફાયરીંગ કર્યુ તેનું કારણ જાણવા આગળની તપાસ શરૂ કરી છે. બનાવના પગલે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.