ડ્રગ્સ રેકેટનો રેલો રાજકોટ પહોંચ્યો; ફાર્મા કંપનીમાં ATS ત્રાટકી: હડમતાળા નજીક પારમેક્સ ફાર્મામાં દરોડા: વડોદરાની કંપનીમાંથી ઝડપાયેલા ૧૧૨૫  કરોડના ડ્રગ્સનું રો-મટીરીયલ્સ સપ્લાય કર્યાની શંકા.

એટીએસનું રાજકોટ રૂરલ એલસીબી-એસઓજીને સાથે રાખી મધરાત સુધી સર્ચ: ખળભળાટ.

સાવલી ડ્રગ્સ રેકેટનો રેલો રાજકોટ પહોંચ્યો છે. અહીં હડમતાળાની ફાર્મા કંપનીમાં એટીએસે દરોડો પાડ્યો હતો. વડોદરાના સાવલીની જે કંપનીમાંથી ૧૧૨૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યાં ગોંડલ હાઇવે પર હડમતાળા નજીક આવેલી પારમેક્સ ફાર્મા નામની કંપનીએ રો-મટિરિયલ્સ મોકલ્યું હોવાની શંકાએ તપાસ થઈ હતી. તપાસ દરમિયાન ગુજરાત એટીએસ સાથે રાજકોટ રૂરલ એલસીબી – એસઓજીની ટીમે બપોરે ૨ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે કંઈ શંકાસ્પદ વસ્તુ ન મળ્યાના પોલીસ સૂત્રોએ સંકેત આપ્યા છે.

મળતી વિગત મુજબ તાજેતરમાં વડોદરામાં ૨૨૫ કિલો એમડી ડ્રગ્સ ઝડપાતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. આ મામલે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ હતી અને આ ડ્રગ્સ રેકેટને લઈને એક એક કડીઓ જોડી તાપસમાં થઈ રહી છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં એટીએસની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એટીએસની ટીમો દ્વારા મોરબી, વડોદરા, ભરૂચ અને સુરત બાદ રાજકોટમાં પણ તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડોદરા ડ્રગ્સકાંડ મામલે એટીએસએ રાજકોટની ફાર્મા કંપનીમાં તપાસ આદરી હતી.

ડ્રગ્સનું રો-મટિરિયલ રાજકોટથી વડોદરા પહોંચ્યું હોવાની આશંકા સેવાઇ હોવાથી તપાસ થઈ હતી. જેના લીધે જિલ્લાના હડમતાળા ખાતે એટીએસએ સર્ચ ઓપરેશન કર્યું હતું. ગત તા. ૧૮ને રવિવારે એટીએસની ટીમ સ્થાનિક પોલીસ એટલે કે રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચ અને એસઓજી સાથે આ કંપની ખાતે બપોરના સમયે ઓચિંતી ત્રાટકી હતી અને રાત્રીના ૧૦ વાગ્યા સુધી સર્ચ કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં આવેલી નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીની આડમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત એટીએસએ રેડ પાડી હતી. આ રેડમાં રૂ.૧૧૨૫ કરોડની કિંમતનું  ૨૨૫ કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

સર્ચ દરમિયાન ચુસ્ત પહેરો, કંપનીની અંદર રહેલા કોઈને પણ બહાર ન નીકળવા દેવાયા
પારમેક્સ ફાર્મા કંપનીમાં સર્ચ દરમિયાન એટીએસની ટીમે ખાસ તાકીદ રાખી હતી. પ્રથમ તો આ સરપ્રાઈઝ સર્ચ હતું. જેથી દરોડો પડતા જ સ્થાનિક પોલીસનો બંદોબસ્ત કંપની બહાર ગોઠવી દેવાયો હતો. જે પછી એટીએસે કંપનીના તમામ કર્મચારી અધિકારીઓને સૂચના આપી દીધી હતી કે અંદરથી હવે કોઈ બહાર નહીં જઈ શકે. આ સ્થિતિમાં જ સર્ચ કરાયું હતું.

કંપની સંચાલકના નિવેદન લેવાયા
પોલીસ સૂત્રો તરફથી મળેલી વિગત મુજબ એટીએસની ટીમે તપાસ દરમિયાન આખી કંપનીના બિલ્ડીંગમાં સર્ચ કર્યું હતું. જેમાં સ્થાનિક એલસીબી અને એસઓજી પણ મદદમાં રહી હતી. જે પછી કંપની સંચાલકના નિવેદન લેવાયા હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!