સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ૭૬ માં સ્વાતંત્ર પર્વની થયેલી શાનદાર ઉજવણી.
અનેક વીરોના બલિદાનથી આજે આપણે સ્વતંત્રતાના શ્વાસ રુપી અમૃતનું પાન કરીએ છીએ – પ્રો.કલાધર આર્ય
દેશની આઝાદી માટે ફના થનારા શહીદોની શહાદતને યાદ કરીને ભાવુક બનતા પ્રો.કલાધર આર્ય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાંગણમાં આજે સિન્ડિકેટ સભ્યશ્રી ડૉ. કલાધર આર્યના હસ્તક સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કરવામાં આવ્યું. પોતાના ઉદ્દબોધનમાં ડૉ. આર્યએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર વિશ્વ વિધાલયના આદ્ય કુલપતિ શ્રધ્ધેય ડોલરરાય માંકડના પુણ્ય સ્મરણ સાથે સૌરાષ્ટ્ર વિશ્વ વિધાલયના આપ સહુ પરિવારજનોમાં બિરાજમાન પરમ તત્ત્વને સાદર વંદન કરું છું.
થોડી ક્ષણો પૂર્વે રાષ્ટ્રગીત ગાન સાથે આપણે સહુએ કેવળ આપણાં રાષ્ટ્ર ધ્વજને જ વંદન નથી કર્યા પરંતુ શૌર્ય, ત્યાગ અને બલિદાનને પણ વંદન કર્યા છે. પ્રકાશ, શાંતિ અને સચ્ચાઈને વંદન કર્યા છે. શ્રદ્ધા, સમૃદ્ધિ અને આનંદને વંદન કર્યા છે. ભલાઈ, ભક્તિ, આત્મસંયમ, સંવેદના, નૈતિકતા, ન્યાય, નમ્રતા અને કરુણાને વંદન કર્યા છે.
આ પ્રકારના વંદન કેવળ એ જ લોકો કરી શકે જે પોતાની માતૃભૂમિને માઁ સંબોધનથી પોકારી શકે છે, વિશ્વના 195 દેશો પૈકી એકમાત્ર ભારત એવું રાષ્ટ્ર છે જે પોતાના દેશ માટે ગૌરવભેર માઁ શબ્દ પ્રયોગ કરે છે.
સ્વર્ણિમ ભારતના સ્વપ્નદ્રષ્ટા આદરણીય પ્રધાનમંત્રી માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદીએ છોતેરમા સ્વતંત્રતા પર્વને “આઝાદીનું અમૃતપર્વ” એવા નામાભિધાન સાથે ઊજવવાનો સંકલ્પ જાહેર કર્યો તે દેશવાસીઓ માટે ખરા અર્થમાં અમૃતપર્વ જ છે. અનેક વીર જવાનોના બલિદાનોથી આપણે આજે સ્વતંત્રતાના શ્વાસ રુપી અમૃતનું પાન કરી રહ્યા છીએ.
આઠમી ઓગષ્ટ, ૧૯૪૨ના રોજ મહાત્મા ગાંધીએ “અંગ્રેજો ભારત છોડો” નારો આપ્યો ત્યારે દેશભરમાંથી અંગ્રેજી સેનાએ મોટી સંખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓની તત્કાલ ધરપકડ કરી, પરંતુ નવમી ઓગષ્ટના વહેલી સવારથી અસંખ્ય દેશવાસીઓએ દેશભરમાં સ્વયંભૂ કૂચ કરી , ગુજરાતના અમદાવાદ ખાતેની કૂચ પર અંગ્રેજી ફોજ ભયંકર લાઠીચાર્જ કરી કૂચને અટકાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ચોવીસ વર્ષનો એક નવલોહીયો નામે ઉમાકાન્ત કડિયા આગળ ધપ્યો અને કૂચને નેતૃત્વ પુરુ પાડી આગળ ધપી રહ્યો હતો, અચાનક ગોળીબાર થયો, ઉમાકાન્તનું કપાળ વિંધાયું ત્યારે *વંદે માતરમ* નારા સાથે ઢળી પડ્યો અને પ્રથમ શહાદત વહોરી ત્યારે લખાયું “માડી તારો લાડકવાયો સૂતો છે સંગ્રામે રે, શહાદત શરમાશે માટે આંસુ એક વહાવીશ ના” માતૃભૂમિને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરાવી દેશવાસીઓને સ્વતંત્રતાના શ્વાસ રુપી ભેટ આપવા માટે જેમણે શહાદત વહોરી છે તે સહુના પુણ્ય સ્મરણ સાથે આપ સહુને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવું છું.” પ્રખર રાષ્ટ્રવાદી વિચારધારાના વાહક તેમજ વંચિતો, પીડિતો અને શોષિતોના હમદર્દ એવા પ્રો. કલાધર આર્ય સાથે અનેક લોકોએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તસવીર ખેંચાવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શારીરિક શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને એન.સી.સી.કેડેટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. વરસાદ હોવા છતાં બહોળી સંખ્યામાં યુનિવર્સિટીના અધિકારીઓ તેમજ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરવા હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ધારા આર. દોશી દ્વારા કરવામાં આવ્યું હતું.