ગોંડલ ગેંગરેપના ગુનામાં ત્રીપુટીને અંતિમ શ્વાસ સુધીની સજા:મિત્ર સાથે ઉભેલી સગીરાને ધમકી આપી ત્રણ પૈકી બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હતુ.
તપાસનીશે ૧પ દિવસમાં ચાર્જશીટ રજૂ કર્યુ, ૫૩ દિવસમાં કેસની સુનાવણી પૂર્ણ કરી અદાલતે ઐતિહાસીક ચુકાદો આપ્યો.
ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર મિત્ર સાથે ઉભેલી સગીરાને ધમકાવી અવાવરૂ સ્થળે લઈ જઈ સામુહીક ગેંગરેપના ગુનાની માત્ર ૫૩ દિવસમાં જ કેસની સુનાવણી પુર્ણ કરી પોકસો અદાલતે ત્રણ નરાધમોને જીવે ત્યાં સુધીનો સજાનો સિમાચિહ્ન રૂપ ચુકાદો આપ્યો છે.
વધુ વિગત મુજબ ગોંડલ શહેરમાં રહેતી સગીરા પોતાના પુરૂષ મિત્ર પ્રતિક સાથે ઉમવાળા રોડ પર ઉભી રહી ત્યારે ત્રણ શખ્સોએ ધાકધમકી આપી અવાવરૂ સ્થળે લઈ જઈ સામુહીક દુષ્કર્મ ગુર્જાયાની ભોગ બનનારની માતાએ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
સીટી પોલીસ મથકના શકિતસિંહ જાડેજા, જયદીપસિંહ અને અમરદિપસિંહ જાડેજાએ ગણતરીના કલાકોમાં ગેંગરેપનો ભેદ ઉકેલી મુકેશનાથ ગુલાબનાથ લકુમ, સંજયનાથ ગુલાબનાથ માંગરોલીયા અને અજયનાથ દિનેશનાથ માંગરોલીયાની ધરપકડ કરી ત્રણેય સામે દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંઘ્યો હતો. તપાસનીશ પી.આઈ. એમ.આર.સંગાડા દ્વારા ૧૫ દિવસમાં તપાસ પુર્ણ કરી ૧૫ દિવસમાં ચાર્જશીટ અદાલતમાં રજુ કર્યુ હતુ. બાદ પોકસો કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમા બન્ને પક્ષોની લેખિત-મૌખિક રજૂઆત બાદ સરકાર પક્ષે એ.પી.પી. ઘનશ્યામભાઈ ડોબરીયા દ્વારા ફરીયાદી, ભોગ બનનાર, તપાસનીશ અને તબીબ સહિતના સાહેદોની જુબાની લેવામાં આવી હતી. તેમજ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ઘ્યાને લઈ ન્યાયધીશ ડી.આર.ભટ્ટે ત્રણેય શખ્સોને અલગ-અલગ કલમ હેઠળ તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયા રોકાયા હતા.