બોટાદમાં કથિત લઠ્ઠાકાંડથી ૮ લોકોના મોતથી હાહાકાર :રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા : રેન્જ આઇજી હોસ્પિટલમાં પહોંચ્યા.
ધંધુકાના ૬ અને બરવાળાના ૨ લોકોના મોત થયાના અહેવાલ :તમામના મોત લઠ્ઠો પીવાને લીધે થયાની આશંકા:મૃતકોના પીએમ રિપોર્ટ બાદ મામલો થશે સ્પષ્ટ.
રાજ્યમાં દારૂબંધીના કાયદાના પાલન પર સતત સવાલો ઉઠતા રહ્યાં છે. દરમિયાન બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ ગામમાં સંભવિત રીતે લઠ્ઠાકાંડના અહેવાલ મળી રહ્યાં છે. આ સંભવિત લઠ્ઠાકાંડમાં તબિયત લથડતા ૧૦ થી ૧૪ લોકો હોસ્પિટલમાં દાખલ થયાની માહિતી મળી રહી છે. મીડિયાના અહેવાલો પરથી માહિતી મળે છે કે, પીડિતોના પરિવાર તેમણે કેફી દ્રવ્ય પીધા બાદ તેમની તબિયત લથડી હોવાની માહિતી આપી રહ્યાં છે.
બોટાદના રોજીદ ગામના કેટલાક લોકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓના પરિવારજનોએ મીડિયાને જણાવ્યું કે, તેમણે ગઈકાલે રાત્રિના સમયે નભોઈ ગામથી કેફી પીણું પીધા બાદ તબિયત લથડતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ૮ લોકોના મૃત્યુ થયાના પણ અહેવાલ સાંપડી રહ્યાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રોજીદ ગામમાં કેટલાક લોકોની તબિયત અચાનક લથડતા તેમને બરવાળા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં કેટલાક બોટાદની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. કેટલાક દર્દીઓ ધંધુકાની હોસ્પિટલમાં પણ દાખલ થયા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે. ઉલ્લેખનયી છે કે, હાલ આ મામલે પોલીસ દ્વારા ઘટના લઠ્ઠાકાંડની છે કે અન્ય તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સંભવિત લઠ્ઠાકાંડી ઘટના સામે આવતા ભાવનગર રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને એસી.પી. કરણરાજ વાઘેલા પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલાની તપાસ અને હજૂ પણ રોજીદ ગામમાં આ પ્રકારના વધુ કેસ હોય તો તેમને દવાખાને મોકલવાની તજવિજ હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વધુ સારવાર માટે મોકલેલા એક વ્યક્તિનું ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે. બીજી તરફ માહિતી કરતા વધારે લોકો પણ અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ હોય શકે તેવી પણ સંભાવના છે. હાલ મોતનો આંકડો વધ્યાની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે પરંતુ સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી રહી નથી.
હાલ મૃતકોના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી મોતના કારણ અંગે પણ તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. મોતના કારણ સ્પષ્ટ રીતે સામે આવે બાદમાં જ પોલીસ સત્તાવાર નિવેદન આપી મોતના કારણ અને આંકડાની સ્પષ્ટતા કરે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.
232 thoughts on “બોટાદમાં કથિત લઠ્ઠાકાંડથી ૮ લોકોના મોતથી હાહાકાર :રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા : રેન્જ આઇજી હોસ્પિટલમાં પહોંચ્યા.”
Comments are closed.