જામકંડોરણામાં ધોધમાર વરસાદ વચ્ચે ૧૦૮ ના કર્મીઓની સરાહનીય કામગીરી: ૪૫ વર્ષિય ખેડૂતને ખેતી કામ કરતી વખતે સર્પદંશની અસરમાંથી નવજીવન આપતી ૧૦૮ની ટીમ.
• ૨૪*૩૬૫ દિવસ કોઈપણ પરિસ્થિતિમાં નિ:સ્વાર્થભાવે લોકોની સેવામાં હાજર ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મવીરો
ગત્તરોજથી સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રોઘેલ ગામના વાડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગુજરાતીને ખેતરમાં સહ-પરિવાર સાથે ખેત કામ કરતા હતા ત્યાં સાપે રમેશભાઈને ડંખ માર્યો હતો. પરિવારના સભ્યોએ સમય સુચકતા વાપરી ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. અનેક અવરોધોને પાર કરીને જામકંડોરણા ૧૦૮ની ટીમ તેમના વાડી વિસ્તારમાં ગણાતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચીને દર્દીને ઓનલાઈન ડોક્ટરની મદદથી પ્રાથમિક સારવાર આપી હતી. જેથી રમેશભાઈના જીવ પરનું જોખમ ટળ્યું. ઉપરાંત વધુ સારવાર માટે રમેશભાઈને ધોરાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ તકે રમેશભાઈના પરીવારજનોએ જણાવ્યું હતું કે, ધોધમાર વરસાદને કારણે ક્યારેક ખેતરમાં કામ કરવું જોખમી હોય છે. ગમે ત્યારે જનાવર કરડી જવાની બીક લાગે અને આવું થાય ત્યારે સારવાર મળવી અઘરી થઈ જાય છે. ફોન કરતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ આવી અને અમારા પરિવારના કર્તા હર્તાને નવું જીવન આપ્યું તે બદલ એમ્બ્યુલન્સ અને તેના બધા સ્ટાફનો આભાર માનીએ છીએ.
રાજ્ય સરકારની ૧૦૮ની સેવાએ સંખ્યાબંધ લોકોને ત્વરીત તબીબી સેવા પુરી પાડી નવજીવન આપ્યું છે. રાજ્યભરમાં આ સેવા પોલીસ, આગ અને કુદરતી આફત સમયે અપાતી ઇમરજન્સી સેવાની જેમ સતત ૨૪X૭ સેવાઓ પુરી પાડે છે.
જી.વી.કે.ઇ.એમ.આર.આઇ-૧૦૮ના ચીફ ઓપરેટીંગ ઓફીસરશ્રી વિરલ ભટ્ટે જણાવ્યું હતું કે, ૧૦૮ સેવાની ટીમ ૨૪x૭ ઇમરજ્ન્સી સેવા પુરી પાડવા કટીબધ્ધ છે. કોઈપણ ઇમરજ્ન્સી કે જે સ્વાસ્થ્ય સંબંધિત, ગુના સંબંધિત કે આગ સંબંધિત હોય તો મદદ મેળવવા ૧૦૮ને ચોક્ક્સપણે ફોન કરો. આ તકે તેઓ ૧૦૮ સેવા ગુજરાતમાં શરૂ કરવા અને સતત સહયોગ બદલ ગુજરાત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં વધુમાં જણાવે છે કે, રાજકોટ જિલ્લાની જનતા દ્વારા આ સેવાનો સમયસર અને હેતુસભર બહોળો ઉપયોગ અભિનંદનને પાત્ર છે.
જી.વી.કે.ઈ.એમ.આર.આઈ ૧૦૮નું આ મોડેલ – સેન્સ, રીચ, કેર અને ફોલોઅપ તથા સર્વ શ્રેષ્ઠ ટેક્નોલોજી અને સમર્પિત કમર્ચારીગણથી સુસજ્જ છે. ૧૦૮ નંબર પર આવેલા ૯૯% જેટલાં કોલ્સ માત્ર ૩ સેકન્ડથી પણ ઓછા સમયમાં પ્રતિસાદ આપવામાં આવે છે જે આંતરરાષ્ટ્રિય સ્તરે નોંધપાત્ર બાબત છે.
322 thoughts on “જામકંડોરણામાં ધોધમાર વરસાદ વચ્ચે ૧૦૮ ના કર્મીઓની સરાહનીય કામગીરી: ૪૫ વર્ષિય ખેડૂતને ખેતી કામ કરતી વખતે સર્પદંશની અસરમાંથી નવજીવન આપતી ૧૦૮ની ટીમ.”
Comments are closed.