આજ રોજ ૨૮ જૂનના દિવસે કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક (ખેતી બેન્ક) ની ૭૦ મી સાધારણ સભાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી.
25 વર્ષ પછી શતાબ્દી મહોત્સવના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ “સહકાર સે સમૃદ્ધિ” નો સંકલ્પ સમગ્ર દેશ સમક્ષ રાખ્યો હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના “સહકાર સે સમૃદ્ધિ” સંકલ્પને સિદ્ધ કરવા સાથે મળીને સામૂહિક પ્રયત્નો માટે આહવાન કરતા શ્રી અમિતભાઈ શાહ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં બેન્કિંગ ક્ષેત્રમાં રિફોર્મ્સને લીધે બેન્કિંગ સેવાઓનો લાભ દેશના પ્રત્યેક નાગરિકને આંગળીનાં ટેરવે મળી રહ્યો છે. – શ્રી અમિતભાઇ શાહ
૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ખેતી બેંકના તમામ સભાસદો, ખેડૂતો, ખાતેદારો અને સહકારી આગેવાનોને શુભકામનાઓ અને અભિનંદન પાઠવતા શ્રી અમિતભાઇ શાહ
પોરબંદરના યુવરાજ ઉદયભાણસિંહજીના પ્રયત્નો અને સરદાર સાહેબની પ્રેરણાથી ૫૬ હજાર જેટલા ખેડૂતો જમીનોના માલિક બન્યા – શ્રી અમિતભાઇ શાહ
સિમાંત અને નાના મોટા ખેડૂતોને શાહુકારોની ચુંગાલમાંથી છોડાવવાનું કામ ખેતી બેન્કે કર્યું હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ
૨૫ લાખના ચેક દ્વારા દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ સુરક્ષિત ભવિષ્ય માટેના આવકારદાયક પગલાં માટે જી.એ.સી., એ.ડી.સી. અને ખેતી બેન્કને અભિનંદન પાઠવતા શ્રી અમિતભાઇ શાહ
ખેતી બેંકનું આ આયોજન અને દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અન્વયે પ્રીમિયમ ભરવું સમગ્ર રાજ્ય માટે ઉદાહરણરૂપ – શ્રી સી.આર.પાટીલ
સરકાર અને સહકાર સાથે મળીને કામ કરે તો લોકો સુધી અકલ્પનીય લાભો પહોંચાડી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત – શ્રી સી.આર.પાટીલ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇતિહાસમાં પ્રથમ વખત સહકારી મંત્રાલયની સ્થાપના કરી અને તેનું દાયિત્વ શ્રી અમિતભાઇ શાહને સોંપ્યું, તેમના સહકારી ક્ષેત્રના અનુભવોના પરિણામે ઉત્કૃષ્ટ પરિણામો મળી રહ્યા છે. – શ્રી સી.આર. પાટીલ
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ૨૮ જૂનના રોજ કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક (ખેતી બેન્ક) ની ૭૦ મી સાધારણ સભાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી હતી.
શ્રી અમિતભાઇ શાહે આ પ્રસંગે ખેતી બેન્કના સભાસદો અને ખાતેદારોને મળીને આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશ જયારે આઝાદીના અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે 25 વર્ષ પછી શતાબ્દી મહોત્સવના સમયે દેશ ક્યાં હશે તે લક્ષ્ય સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ “સહકાર સે સમૃદ્ધિ” નો સંકલ્પ સમગ્ર દેશ સમક્ષ રાખ્યો છે. દેશની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિમાં યોગદાનની જવાબદારી સહકારી ક્ષેત્રને સોંપી છે. તેઓએ ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ખેતી બેંકના તમામ સભાસદો, ખેડૂતો, ખાતેદારો અને સહકારી આગેવાનોને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી શાહે કહ્યું હતું કે ૧૯૫૧ માં ખેતી બેંકની સ્થાપનાનું ઐતિહાસિક મહત્વ રહેલું છે. તે સમયે સૌરાષ્ટ્રમાં નાના મોટા ૨૨૨ રજવાડાઓ હતા અને બધી જમીનની માલિકી રાજાઓની હતી. ખેડૂતો રાજા વતી ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. ત્યારબાદ આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોના પરિણામે રજવાડાઓનું વિલીનીકરણ થયું અને ભારતીય સંઘ અસ્તિત્વમાં આવ્યો. આ વખતે જમીનો માટે ખેડૂતો પાસે નાની – મોટી રકમ ચૂકવવા પૈસા ન હતા. એ સમયે પોરબંદરના યુવરાજ ઉદયભાણસિંહજી આગળ આવ્યા અને સરદાર સાહેબની પ્રેરણાથી સૌરાષ્ટ્ર લેન્ડ મોર્ગેજ બેંકની સ્થાપના કરી લોન આપી ૫૬ હજાર જેટલા ખેડૂતોને જમીનોના માલિક બનાવ્યા. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતો જમીનોના માલિક બન્યા તેનો સમગ્ર શ્રેય ખેતી બેંકને જાય છે. ખેતી બેન્કે આ ઉપરાંત જમીન સમતલ કરવી, સિંચાઇની સગવડતા, કૂવા બનાવવા, ખેતી માટેના સાધનો જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા ખેતી અને ખેડૂતોને મજબૂત બનાવવાની કાર્ય કર્યું છે. કેટલાય સિમાંત અને નાના મોટા ખેડૂતોને શાહુકારોની ચુંગાલમાંથી છોડાવવાનું કામ ખેતી બેન્કે કર્યું છે. ગુજરાતમાં કૃષિક્ષેત્ર ખેતી બેંક ખૂબ મોટું યોગદાન રહેલું છે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે દેશને અનાજ માટે આત્મનિર્ભર બનાવવા પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ કરેલા આહવાન માટે પણ ખેતી બેન્કે અમૂલ્ય યોગદાન આપ્યું છે. નાબાર્ડની રચના બાદ ખેતી બેંકનું સ્વરૂપ બદલાયું છે હવે તે કુટીર ઉદ્યોગ, સ્વ રોજગાર સહિત અનેક પ્રકારની લોન પ્રદાન કરે છે. સમગ્ર દેશમાં કૃષિ ધિરાણના ક્ષેત્રમાં ખેતી બેંક ખૂબ મોટું નામ ધરાવે છે. ૧૭ જિલ્લા ઓફિસ અને ૧૭૬ શાખાઓના માધ્યમથી ૮,૪૨,૦૦૦ ખેડૂતોને ૪૫૪૩ કરોડના ઋણ દ્વારા સશકત આધાર પૂરો પાડ્યો છે.
શ્રી શાહે ખેતી બેંકના બેલેન્સ શીટના તમામ પેરામીટર અંગે ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે રિઝર્વ બેંક અને નાબાર્ડ દ્વારા સૂચવેલ તમામ પાસાઓમાં ખેતી બેંકનું ઉત્તમ પ્રદર્શન રહ્યું છે. શ્રી ડોલરભાઈ કોટેચા અને શ્રી ફલજીભાઈના નેતૃત્વમાં ધિરાણના દર ૧૨ – ૧૫ ટકા થી ઘટાડીને ૧૦ ટકા અને અનેક બેન્કિંગ ચાર્જીસ ઘટાડીને ખેડૂતોને સક્ષમ બનાવા મક્કમ પ્રયત્નો કર્યા છે.
શ્રી શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે ૨૭ હજાર ખાતેદારોનું ૫,૭૧,૬૬૬ રૂ. પ્રીમિયમ ભરીને એક્સિડન્ટ વીમો લઈને ખેતી બેન્કે સ્તુત્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે. ૨૫ લાખના ચેક દ્વારા દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ સુરક્ષિત ભવિષ્ય માટેના આવકારદાયક પગલાં માટે જી.એ.સી., એ. ડી.સી. અને ખેતી બેન્કને શ્રી શાહે અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં બેન્કિંગ ક્ષેત્રમાં અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે. ૪૫ કરોડ નવા જન ધન ખાતા, ૩૨ કરોડ રૂપે ડેબિટ કાર્ડ અને યુ.પી.આઇ. ડિજિટલ ટ્રાન્જેકશન દ્વારા બેન્કિંગ સેવાઓનો લાભ દેશના પ્રત્યેક નાગરિકને આંગળીનાં ટેરવે મળી રહ્યો છે. GeM ડીબીટીના માધ્યમથી કેન્દ્ર સરકારના ૫૨ મંત્રાલયો ૩૦૦ જેટલી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આ ક્ષેત્રમાં ખૂબ ટુંકા સમયમાં સહકારી ક્ષેત્રને પણ પ્રવેશ મળશે તેવો ભરોસો શ્રી શાહે આપ્યો હતો.
શ્રી શાહે અંતમાં ખેતી બેન્ક ડોલરભાઈ કોટેચાના નેતૃત્વમાં મજબૂત ઇમારત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના “સહકાર સે સમૃદ્ધિ” સંકલ્પને સિદ્ધ કરવા સાથે મળીને સામૂહિક પ્રયત્નો માટે આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ખેતી બેંકનું આ આયોજન અને દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અન્વયે પ્રીમિયમ ભરવું સમગ્ર રાજ્ય માટે ઉદાહરણરૂપ કાર્ય છે. સરકાર અને સહકાર સાથે મળીને કામ કરે તો લોકો સુધી અકલ્પનીય લાભો પહોંચાડી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત છે. સહકારી ક્ષેત્રે સમગ્ર દેશને ગુજરાતે દિશા દર્શન કર્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના સહકારી મોડેલને ધ્યાનમાં રાખીને તેનો લાભ સમગ્ર દેશને મળે તે માટે ઇતિહાસમાં પ્રથમ વખત સહકારી મંત્રાલયની સ્થાપના કરી અને તેનું દાયિત્વ શ્રી અમિતભાઇ શાહને સોંપ્યું. શ્રી અમિતભાઇ શાહના સહકારી ક્ષેત્રના અનુભવોના પરિણામે તેમાં ઉત્કૃષ્ટ પરિણામો મળી રહ્યા છે. તેઓએ કહ્યું કે ૩૧૧ જેટલી સહકારી સંસ્થાઓમાં ભાજપાના પ્રતિનિધિઓ જવાબદારી સંભાળી રહ્યા છે જેને લીધે સહકારી ક્ષેત્રનો સડો દૂર કરવામાં મહત્તમ સફળતા મળી છે. ભાજપા દ્વારા આ સંસ્થાઓના માધ્યમથી લોકોની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા પ્રમાણિક પ્રયત્નો થઇ રહ્યા છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભરતભાઈ બોઘરા, શ્રી જયંતીભાઈ કવાડીયા, પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રીઓ સર્વેશ્રી રજનીભાઇ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી, ઇફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, જીએસી બેંકના ચેરમેનશ્રી અજયભાઈ પટેલ, પ્રદેશ ભાજપ સહકારી સેલના સંયોજકશ્રી બીપીનભાઈ પટેલ, ખેતી બેંકના ચેરમેનશ્રી ડોલરભાઈ કોટેચા સહિત ડિરેકટરશ્રીઓ, સભાસદો, ખાતેદારો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
229 thoughts on “આજ રોજ ૨૮ જૂનના દિવસે કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક (ખેતી બેન્ક) ની ૭૦ મી સાધારણ સભાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી.”
Comments are closed.