ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો:ગોંડલ યાર્ડે ૨૩.૬૧ કરોડની જંગી આવક કરી દાયકાઓથી પ્રથમ નંબરે રહેતા ઊંઝા યાર્ડને બીજા નંબરે ધકેલ્યું.
ગુજરાત-સૌરાષ્ટ્ર માં ગોંડલ યાર્ડે ડંકો વગાડ્યો.
ઊંઝા યાર્ડ ૨૩.૨૯ કરોડની આવક સાથે બીજા નંબરે અને રાજકોટ યાર્ડ ૨૧.૯૮ કરોડની આવક સાથે ત્રીજા નંબરે
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડે નાણાકીય વર્ષ ૨૧-૨૨માં રૂ.૨૩.૬૧ કરોડની જંગી આવક કરી રાજ્યમાં પ્રથમ નંબર મેળવી ડંકો વગાડ્યો છે. દાયકાઓથી પ્રથમ નંબરે રહેતા ઊંઝા યાર્ડને ગોંડલ યાર્ડે બીજા નંબરે ધકેલી દીધું છે. આગામી વર્ષોમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડની આવકને દેશના પ્રથમ નંબરે લઈ જવા ચેરમેન દ્વારા સપનું સેવવામાં આવ્યું છે.
સુરત યાર્ડ ૧૭.૯૯ કરોડની આવક સાથે ચોથા નંબરે
ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત નિયંત્રણ બજાર સંઘ અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨નાં નાણાકીય વર્ષનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, આ અહેવાલ પ્રમાણે ગોંડલ માર્કેટિંગ યાર્ડની આવક રૂ. ૨૩.૬૧ કરોડ થતા સમગ્ર રાજ્યના માર્કેટિંગ યાર્ડની આવકમાં પ્રથમ નંબર મેળવ્યો છે. સાથોસાથ ગોંડલ માર્કેટિંગ યાર્ડે ૧૫.૩૧ કરોડની બચત કરી છે. યાર્ડનું ભંડોળ રૂ.૭૯.૩૨ કરોડ થયું છે, જ્યારે દાયકાઓથી પ્રથમ રહેતું ઊંઝા માર્કેટિંગ યાર્ડની આવક૨૩.૨૯ કરોડ થતા તે બીજા નંબરના સ્થાને ધકેલાયું છે. જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ૨૧.૯૮ કરોડ સાથે ત્રીજા નંબરે અને સુરત ૧૭.૯૯ કરોડ સાથે ચોથા નંબરે પહોંચ્યું છે.
ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રનું અગ્રીમ યાર્ડ.
ચણાની આવક અને વેચાણનો મહત્વનો ફાળો
સૌરાષ્ટ્રના અગ્રીમમાંથી ગુજરાતના અગ્રીમ નંબરે પહોંચેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડની આવક અંગે ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક અને વેચાણનો મહત્વનો ફાળો રહ્યો છે. ચણાની સીઝનમાં રોજ આશરે ૩૫,૦૦૦ બોરીનું વેચાણ થઈ રહ્યું હતું. જેની સામે લસણ અને ડુંગળીના ભાવ નીચા રહ્યા હતા. જો ડુંગળી અને લસણના ભાવ થોડા વધારે હોત તો હજી વધુ પાંચ કરોડની આવક વધી થઇ હોત. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા લસણ અને ડુંગળીમાં સહાય કરવામાં આવી હતી. આથી ખેડૂતોને રાહત મળી હતી.
સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પાક વેચાણ માટે આવે છે
અલ્પેશ ઢોલરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતું જ અગ્રીમ બની ન રહે અને આગામી વર્ષોમાં દેશનું અગ્રિમ બની રહે તે માટે વર્તમાન બોડી દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આગામી સમયમાં વધુ સારા ડોમ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે અને દેશ-વિદેશમાંથી વેપારીઓ ખરીદી કરવા માટે આવે તે અંગેના આયોજનો કરવામાં આવનાર છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની ૫૫ થી પણ વધુ જણસીઓ લઈને આવી રહ્યા છે અને તેઓને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. આગામી દિવસોમાં વિવિધ પાકની આવક થાય અને ત્વરીત નિકાલ થાય તેવા આયોજનો હાથ ધરાયા છે. તેમજ નેશનલ હાઈવે પર વાહનોની કતારો લાગતી બંધ થાય તે અંગે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા.
બહારના રાજ્યના વેરાપીઓ ખરીદી કરવા આવે છે
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની ખરીદી માટે દેશભરમાંથી વેપારીઓ વર્ષ દરમિયાન આવતા હોય છે. જેમાં રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુનાં વેપારીઓ ખાસ કરીને મરચા, લસણ, ડુંગળીની ખરીદી માટે આવતા હોય છે. જ્યારે મગફળી અને ધાણાની ગુજરાતના વેપારીઓ ખરીદી કરી લેતા હોય છે અને તેઓ દ્વારા દેશ-વિદેશમાં નિકાસ કરવામાં આવતી હોય છે.