રાજકોટ જિલ્લા નાં પડધરી નજીક આજી – 3 ડેમમાં બેફામ રેતી ખનન, SMCની ટીમ ત્રાટકી : 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત.
રાજકોટ રૂરલ પોલીસની મહત્વની બ્રાંચો, પડધરી પોલીસ અને ખાણ ખનીજ ખાતાને ઊંઘતું રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટક્યું ● એક હીટાચી, 6 ડમ્પર, નદીમાં રેતી કાઢવાની 7 બોટ, 4 બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો : ડીવાયએસપી કામરીયા અને તેમની ટીમની કાર્યવાહી
ગાંધીનગરથી રાજ્યના પોલીસ વડાના આશિષ ભાટિયાના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમ આજે પડધરીમાં ત્રાટકી હતી. રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હરીપર ખારી ગામે આજી – 3 ડેમના કિનારાવાળી જગ્યાએ ગેરકાયદેસર રેતી ખનન તથા વહન અંગે રેઈડ કરી રૂ.1 કરોડ 97 લાખ 15 હજાર 238 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
એસપી નિર્લિપ્ત રાયની સૂચના હેઠક સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે અગાઉ રાજકોટ શહેર પોલીસના વિસ્તાર બાદ હવે રાજકોટ ગ્રામ્ય પોલીસની હદમાં દરોડા પાડ્યા છે. જેમાં રાજકોટ રૂરલ પોલીસની મહત્વની બ્રાંચો, પડધરી પોલીસ અને ખાણ ખનીજ ખાતુ પણ ઊંઘતું ઝડપાયું છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ તરફથી અપાયેલી માહિતી મુજબ ડીજીપી આશીષ ભાટિયા (IPS), એસએમસીના અધિક પોલીસ મહાનિદેશક નીરજા ગોટરુ (IPS), પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય (IPS)ની સૂચના મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ બાતમી હકિકત મળેલ કે, પડધરી તાલુકાના હરીપર ખારી ગામ, આજી -૩ ડેમના કિનારાવાળી જગ્યાએ ટીનુભા જાડેજા (રહે.ખાખડાબેલા, તા.પડધરી, જિ.રાજકોટ) તથા માંડાભાઈ ભરવાડ (રહે. હરીપર ખારી ગામ, તા.પડધરી, જિ.રાજકોટ) વાળા ખાણ ખનીજ વિભાગની લીઝ કે મંજુરી લીધા વગર બેફામ રેતી ચોરી કરી રહ્યા છે. તે માહિતીના આધારે તા.5 મે 2022 ના રોજ દરોડો પાડતા સ્થળ પરથી 50 લાખની કિંમતનું 1 હિટાચી મશીન, 1.20 કરોડની કિંમતના 6 ડમ્પર જેમાં બે ડમ્પરમાં 44.82 મેટ્રિક ટન રેતી જેની કિંમત 15,238, ડેમમાંથી રેતી કાઢવા ઉપયોગ લેવાતી 26 લાખની કિંમતની 7 બોટ, રૂ.1 લાખના 4 બાઈક સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ મુદ્દામાલ કાર્યવાહી અર્થે પડધરી પોલીસને સોંપી પડધરી પોલીસ સ્ટેશને ડાયરી નોંધ કરાઈ હતી. સ્ટેટની ટીમ ત્રાટકતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક પોલીસના જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય પગલાં લેવાય તેવી શકયતા છે.