રાજકોટની માધાપર ચોકડી પાસેથી ૮૦૪ બોટલ દારૂ ભરેલો ટ્રક પકડાયો.

ટ્રકચાલક રાજસ્થાનના શખ્સની ધરપકડ, રૂા.૯ લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટની માધાપર ચોકડી પાસે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી રૂા.૯૪,૮૦૦ની કિંમતની ૮૦૪ બોટલ વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ કરી દારૂ સપ્લાય કરનાર રાજસ્થાનના શખ્સ અને દારૂ મંગાવનાર રાજકોટનાં બુટલેગર વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. ક્રાઈમ બ્રાંચે રૂા.૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શહેરના જામનગર રોડ પર વિદેશી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના સ્ટાફે વોચ ગોઠવી હતી. જેના આધારે ટ્રક નં. ડી.ડી.૦૧ ઈ ૯૮૫૧ માધાપર ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાંથી નીકળતાં ક્રાઈમ બ્રાંચની ટીમે આ ટ્રકને અટકાવ્યો હતો. ટ્રકની પાછળ આઈસ્ક્રીમના કોન બનાવવા માટે જે કાગળનો ઉપયોગ થાય તે કાગળનો જથ્થો બાચકામાં હોવાનું ચાલકે જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાંચે આ બાચકા તોડીને તપાસ કરતાં તેમાંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની ૮૦૪બોટલ મળી આવી હતી. રૂા.૯૪,૮૦૦ની કિંમતનો દારૂનો જથ્થો તથા ટ્રક સહિત રૂા.૯ લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના
જોધપુર જિલ્લાના ઓસીયા તાલુકાના કુંભારવાસ ગામના સેરારામ ઓમપ્રકાશ કુંભારની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો જોધપુરના બુટલેગર મુકેશ પરીહારે મોકલ્યો હોેય અને રાજકોટ આ દારૂનો જથ્થો કયા બુટલેગરને સપ્લાય કરવાનો હતો. તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ વાય.બી.જાડેજા, પીઆઈ જે.વી.ધોળા સાથે પીએસઆઈ એમ.જે.હુણ તેમજ કિર્તીસિંહ ઝાલા, અમીતભાઈ અગ્રાવત, નવીનભાઈ ડાંગર અને પ્રદીપસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.
નેનો કારમાં ૨૭ હજારના દારૂ સાથે ચાલકની ધરપકડ
ક્રાઈમ બ્રાંચની ટીમે જાગનાથ પ્લોટ-૪૧માંથી કમલેશ ભીમજી ચુડાસમાને નેનો કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

કોઠારીયા રોડ પર આહીર ચોક સત્યપ્રકાશ સ્કૂલ નજીક રહેતા કમલેશ એક એક લીટરની ૨૭ હજારની કિંમતની ૩૬ બોટલ સાથે નેનો કારમાં નીકળ્યો ત્યારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ વાય.બી.જાડેજા અને તેમની ટીમે તેને ઝડપી લીધો હતો.

error: Content is protected !!