મોરબીના હળવદની GIDCમાં કારખાનાની દીવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકોના કરૂણ મોત.

મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના ઘટી છે. સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ તૂટી પડતા 30થી વધુ લોકો દટાઈ ગયા. આ દુર્ઘટનામાં 12 લોકોના દર્દનાક મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. 12 જેટલા મૃતદેહો હળવદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને સંબંધિત વિભાગની ટીમો હળવદ જીઆઈડીસીમાં પહોંચી ગઈ છે.

 

મળતી માહિતી મુજબ હળવદની જીઆઈડીસીમાં સાગર સોલ્ટ નામનું કારખાનું આવેલું છે. આજે અચાનક ધડાકાભેર કારખાનાની એક દીવાલ તૂટી પડી. દીવાલના કાટમાળ નીચે 30થી વધુ લોકો દટાઈ ગયા. તેમને બચાવવા માટે સ્થાનિકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીમાં 12 શ્રમિકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢ્યા હોવાની માહિતી મળી છે. અનેક લોકો હજુ પણ દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં. હાલ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટેની બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ ઘટી હોવાનું કહેવાય છે.

અચાનક કયા કારણસર આ મીઠાના કારખાનાની આ દીવાલ તૂટી પડી તે જાણવામાં મળ્યું નથી. ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે દીવાલ તૂટી પડ્યા બાદ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં વાર લાગી જેને કારણે મૃત્યુઆંક વધ્યો.

error: Content is protected !!