Mumbai-હનુમાન ચાલીસાનો વિવાદ: રાણા દંપતીના જામીન મંજૂર.
મુંબઈ વિશેષ અદાલતે બુધવારે હનુમાન ચાલીસાના પઠનને મુદ્દે ઊઠેલા વિવાદ બાદ ધરપકડ કરવામાં આવેલાં અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણાના જામીન મંજૂર કર્યા હતા.
જોકે જામીન આદેશ સંબંધિત દસ્તાવેજો બુધવારની સાંજ સુધી જેલના સત્તાવાળાઓ સુધી પહોંચ્યા નહોતા. પરિણામે બુધવારની રાત રાણા દંપતીએ જેલમાં જ વિતાવવી પડશે. ગુરુવારે તેમનો જેલમાંથી છુટકારો થવાની શક્યતા છે.મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન ‘માતોશ્રી’ બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની જાહેરાત કરનારા રાણા દંપતીની ૨૩ એપ્રિલે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.
રાજદ્રોહ અને દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સહિતની ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. બુધવારે વિશેષ જજ આર. એન. રોકડેએ તેમની જામીન અરજી મંજૂર કરી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે અરજીકર્તા જામીન પર છૂટ્યા પછી ફરી આવો ગુનો આચરી શકશે નહીં અને આ કેસ સંબંધે મીડિયાને સંબોધવી નહીં.
એડ્વોકેટ્સ રિઝવાન મર્ચન્ટ અને આબાદ પોન્ડા મારફત કરેલી જામીન અરજીમાં દંપતીએ એવો દાવો કર્યો હતો કે માતોશ્રી બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવું તેને સમાજ વચ્ચે દ્વેષભાવના ફેલાવવાનું ગણાવી શકાય નહીં અને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩(એ) લાગુ પાડી શકાય નહીં.
તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈ કલ્પનાના અતિરેકમાં પણ આરજીકર્તાઓના કૃત્યને રાજદ્રોહ ગણાવી શકાય નહીં.
પોલીસ વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રદીપ ઘરાતે જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને સીધી રીતે ભલે આ દંપતી નિર્દોષ જણાતું હોય, પરંતુ વાસ્તવમાં સત્તાધારી સરકારને પડકાર ફેંકવાનો મોટો પડકાર હોવાનું કહ્યું હતું.