Jetpur-રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીતકુમાર મોહંતીના હસ્તે દેશના પ્રથમ ડાઈ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ડેમોન્સ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘સ્વચ્છ ભારત-હરિયાળું ભારત’’ અભિયાન અંતર્ગત વૈજ્ઞાનિકોએ જેતપુરમાં કરેલો આ સફળ પ્રયોગ મહત્વનું કદમ છે : ડો.અજીતકુમાર મોહંતી.
જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના સહકારથી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો દ્વારા પાણીને સંપૂર્ણ શુદ્ધ કરવાની દિશામાં થનારી મહત્વની કામગીરી.
જેતપુરના ડાય કલરવાળા પાણીમાંથી કલરને અલગ પાડવા રેડિએશનથી ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે : બે વર્ષ સુધી થયેલા સંશોધનને અંતે સફળતા મળી : સફળ સંશોધન બદલ જેતપુર ડાઇંગ પ્રિન્ટીંગ એસોસિએશને ભાભા રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર અને વૈજ્ઞાનિકોનો આભાર માન્યો.
ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર, મુંબઈ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે દેશના પ્રથમ રેડિયેશન ટેક્નોલોજી બેઇઝડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ડેમોન્સ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીતકુમાર મોહંતીએ કર્યું હતું.
પરમાણુ ઉર્જા રેડિયેશન દ્વારા વિકસાવવામાં આવેલા આ પ્લાન્ટનો પ્રયોગ સફળ થતા પ્લાન્ટમાંથી કલરવાળુ પાણી શુદ્ધ થઈને બહાર નીકળશે, તેમ ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીત કુમાર મોહંતીએ હર્ષ સાથે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘સ્વચ્છ ભારત-પ્રદૂષણમુક્ત ભારત-હરિયાળા ભારત’’ અભિયાનમાં ‘‘આઝાદીના અમૃત મહોત્સવ’’ના અવસરે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી કામગીરીનુ આ એક મહત્વનું કદમ છે. આ ટેક્નોલોજીથી કલરવાળું પાણી શુદ્ધ થશે અને તેનો પુનઃ વપરાશ ઉદ્યોગો ઉપરાંત અન્ય ઘણા હેતુઓ માટે થશે. ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના મિશનના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે. સેન્ટર દ્વારા બીજા પણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જેતપુર ખાતે ઉપયોગમાં મુકાયેલા આ પ્લાન્ટ પર હજુ વધુ રીસર્ચ થશે. એસોસિએશનના સહયોગથી સંશોધનની કામગીરી આગળ વધશે. તેઓએ આ ટેકનોલોજી વિકસાવનાર વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી જે.એલ.રામોલીયાએ ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીત કુમાર મોહંતીનું સ્વાગત કર્યું હતું અને તેઓએ આ કામગીરી માટે અગાઉ પણ જેતપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. તેને આવકારી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર દ્વારા જેતપુરને આ મહત્વની ભેટ મળી છે, તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો હતો.
જેતપુરના ભાદર નદીના સામા કાંઠે સી.ઇ.પી.ટી સાઇટ પર એસોસિએશનના સહકારથી મુકાયેલા આ પાણીના શુદ્ધિકરણના માટેના બે પ્રાયોગિક યુનિટ મૂકવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ કર્યા બાદ બાર્કના ડાયરેક્ટરની હાજરીમાં પાણીનું પૃથક્કરણ કરતા કલરવાળુ પાણી છુટું પડ્યા પછી શુદ્ધ પાણીનું પી.એચ. લેવલ ૭ ન્યુટ્રલ વેલ્યુ આવતા હવે આર.ઓ દ્વારા પાણી વધુ શુદ્ધ થવાનુ શક્ય બન્યું છે તેમ આ વિષય ઉપર કામ કરનાર ટીમના ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના આર.ટી.ડી.ડી.ના ડો.વાય.કે.ભારદ્વાજે જણાવ્યું હતું. તેઓએ સમગ્ર પ્લાન્ટની ટેકનીકલ માહિતી આપતા વધુમાં કહ્યું કે પ્રાકૃતિક પોલીમર સેલ્યુલોઝને રેડિએશનથી મોડીફાય કરીને ટેકનોલોજી તૈયાર કરતા કલરવાળા પાણીમાંથી આ યુનિટ કલરને અલગ પાડે છે.
બે વર્ષ સુધી કરવામાં આવેલા સંશોધનનુ આ સફળ પરિણામ છે. આ બે યુનિટમાં પ્રતિ યુનિટ ૪૦૦૦૦ લીટર કલરવાળા પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા છે.જેમ જરૂરિયાત વધશે તેમ ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રની દેખરેખ હેઠળ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના સહકારથી આ કામગીરીનો વિસ્તાર વધારવામાં આવશે.
આ પ્રસંગે આઈ.પી.આર-ગાંધીનગરના ડાયરેક્ટર ડો. શશાંક ચતુર્વેદી, પ્રાંત અધિકારીશ્રી જે.એન.લીખીયા, જી.પી.સી.બી.ના પ્રાદેશિક અધિકારી કે.બી. વાઘેલા, ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના ડો. વિરેન્દ્રકુમાર, ડો.નિલાંજલ મિશ્રા, પી.જે.મહેતા તેમજ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ, મામલતદાર, તેમજ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.