Gondal-Rajkot-ગોંડલમાં દૂકાનના તાળા તોડી પાંચ લાખની રોકડ ઉઠાવી જતા તસ્કરો.
માંડવી ચોક નજીક પોલીસ ચોકી પાસેની દૂકાનને નિશાન બનાવી તસ્કરીની ઘટનાને અંજામ આપતા હાહાકાર : તપાસનો ધમધમાટ.
ગોંડલમાં દૂકાનના તાળા તોડી તસ્કરો પાંચ લાખની રોકડની ચોરી કરી જતા હાહાકાર મચી જવા પામેલ છે. આ ઘટનાની જાણ થતા જ સવારના પોલીસ અધિકારીઓનાં કાફલાએ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. શહેરનાં માંડવી ચોકમાં પોલીસ ચોકીની પાસે આવેલી આ દૂકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતાઆ વિષય શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની જવા પામેલ છે. શહેરમાં અવારનવાર ચોરીના બનાવ બની રહ્યા છે. તેમાં આ વધુ એક બનાવનો ઉમેરો થવા જાય છે.
આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરુ કરી છે. આ અંગે મળતી સીલસીલાબંધ વિગતો એવા પ્રકારની છે કે શહેરની મધ્યમાં આવેલ માંડવી ચોક નજીક ગતરાત્રે તસ્કરોએ દુકાનના તાળા તોડી ચોરી કરી હતી. લગભગ એક કલાક સુધી તસ્કરો દુકાનમાં હોવાનું સીસીટીવી ફુટેજ દ્વારા બહાર આવ્યું છે. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ થવા પામી છે.
જુના અંબાજી મંદિરની બાજુમાં નવી જુની તથા ફાટેલી નોટો બદલવાનો વેપાર કરતા બીપીનભાઈ મૃગની મહાદેવ ચશ્માઘરનામની દુકાનને તસ્કરોએ ગત રાત્રે નિશાન બનાવી તસ્કરીને અંજામ આપ્યો હતો.પાંચ લાખ રોકડની ચોરી થયાનું સુત્રો જણાવી રહ્યા છે.જ્યાં ચોરી થઇ ત્યાંથી થોડે દૂર માંડવી ચોક પોલીસ ચોકી આવી હોય તસ્કરોને પોલીસની કોઇ બીક ના હોયતેમ બિંદાસપણે ચોરીને અંજામ આપ્યો હતો.સવારે ચોરી થયાની જાણ થતાં દુકાનદાર દોડી ગયા હતા. અને પોલીસને જાણ કરી હતી. વિશેષ તપાસ પોલીસ ચલાવી રહી છે.