Rajkot-Jetpur જેતપુરમાં ૧૧૯ બોટલ દારૂ સાથે કારખાનેદાર જીમી છાંટબાર પકડાયો : અશ્વીન વેગડા અને વિક્રમ પરમાર દારૂનો જથ્થો આપી ગયાનું ખુલતા બંન્નેની શોધખોળ.
જેતપુર શહેરમાં દારૂ-જુગારની બદી દુર કરવા એએસપી સાગર બાગમારની સુચનાથી સીટી પીઆઇ જે.બી.કરમુર સ્ટાફના એચ.બી.સોવલીયા, રાજુભાઇ સાંબડા, નિલેષભાઇ મકવાણા, દિનેશભાઇખાટરીયા, હર્ષદભાઇ સોઢાને સાથે રાખી પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન બાતમીના આધારે ફુલવાડી, રામજી મંદિર રોડ પર આવેલ કારખાનામાં દારૂ અંગેની રેડ કરતા રંગવેશ ફેસ નામના કારાખાનાના રૂમમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૧૯ મળી આવતા પોલીસે કારખાના માલીક જસ્મીન ઉર્ફે જીમી છગનભાઇ છાંટબાર (રહે. ડી.જે.મેર એપાર્ટમેન્ટ ફુલવાડી) ને ઇંગ્લીશ દારૂની બોટલો મોબાઇલ ૧ મળી કુલ રૂા.૪ર,૮૦૦ના મુદામાલ સાથે પકડી પાડી આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવેલ તે અંગે પુછપરછ કરતા અશ્વીન વિનુભાઇ વેગડા (રહે.સામા કાંઠે) વિક્રમ બહાદુર પરમાર (રહે. ફુલવાડી) બન્ને શખ્સો કારમાં આપી ગયાનું કબુલ કરતા પોલીસે ત્રણે શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
વરલીનો જુગાર રમાડતા બે પકડાયા
ઉસ્માને ગનીની મસ્જીદ પાસે વર્લીનો જુગાર રમાડતો ઇકબાલ સીદીકભાઇ મનસુરીને રોકડા રૂા. ૧૨૮૦ તથા મોબાઇલ મળી રૂા. ર,ર૮૦ સાથે પકડી પાડી પુછપરછ કરતા તે મંડલીકપુરના કિશોર નામના શખ્સને કપાત કરાવતો હોવાનું ખુલ્યું હતું. તેમજ અન્ય રેડમાં આજ વિસ્તારમાં ફીરોજ મામદભાઇ ખેભર ને વર્લી ફીચરના આંકડા લખતા રોકડા રૂા. ૭પ૦ સાથે પકડી પાડી પુછતા તે ઉપરોકત શખ્સ ઇકબાલ સીદીકભાઇ મનસુરીને કપાત કરાવતો હોવાનું કબુલ કરેલ છે.