ગોંડલ શહેરમાં રૂ.૪૯૨.૭૯ લાખના ખર્ચે નવનિર્મિત ગોંડલ બસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરતા વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશ મોદી.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા નવા આધુનિક સુવિધા સભર બસ સ્ટેશન બનાવી મુસાફરોની સુવિધામાં નિરંતર વધારો થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે, જેના ભાગરૂપે વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશ મોદીએ ટંકારા ખાતેથી ટંકારા તેમજ ગોંડલ, સરા અને સાયલાના કુલ રૂ. ૯૫૧ લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનના ઈ-લોકાર્પણ કર્યા હતાં.
ગોંડલ બસ સ્ટેશન ખાતે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઇ બોદર તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. મહાનુભાવો દ્વારા તક્તીનું અનાવરણ તેમજ રીબીન કાપી નવનિર્મિત બસ સ્ટેશન ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
રૂ. ૪૯૨.૭૯ લાખના ખર્ચે નિર્મિત ગોંડલના બસ સ્ટેશનમાં ૧૪ પ્લેટફોર્મ, મુસાફરો માટે વેઈટિંગ હોલ, કેન્ટીન, શૌચાલય, પાર્શલ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ સહિતની અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે
ટંકારા ખાતે આયોજિત લોકાર્પણ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
જયારે ગોંડલ ખાતે અગ્રણીઓ સર્વેશ્રી નૈમિષભાઈ ધડુક, ગણેશભાઈ જાડેજા, ગોંડલ એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન શ્રી ધર્મેદ્રસિંહજી જાડેજા, ગોંડલ નગરપાલિકાના શ્રી રૂષિરાજસિંહ જાડેજા, સમીરભાઈ કોટડીયા તેમજ એસ.ટી. વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા