Gondal-Rajkot ગોંડલમાં વધુ એક ડુપ્લીકેટ ઘીના રેકેટનો પર્દાફાશ: 27 લાખનો મુદ્દામાલ કબ્જે:વાડીના ગોડાઉનમાં સિટી પોલીસે દરોડો પાડ્યો, શંકાસ્પદ 12,738 લિટર જથ્થો કબ્જે:નમૂના પરિક્ષણ અર્થે મોકલાયા: રિપોર્ટ બાદ કાર્યવાહી.
ગોંડલમાં 1 માસમાં વધુ એક ઘી બનાવવાની ફેક્ટરી પકડાય છે. જેમાં હાઇ-વે પર આવેલી માલધારી હોટલ નજીક વાડીના ગોડાઉનમાં સિટી પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી રૂા.27.43 લાખની કિંમતનો 12,738 લિટર શંકાસ્પદ ઘી નો જથ્થો કબ્જે કરી પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી રિપોર્ટ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનું ધૂમ વેંચાણ થતું હોવાની જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે ગોંડલ સીટી પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પેટ્રોલીંગ દરમિયાન ગોંડલ ખાતે રહેતા અને હાઇ-વે નજીક માલધારી હોટલ પાસે વાડી ધરાવતા ભવાન વિરજી ગજેરા નામના ખેડૂતની વાડીના ગોડાઉનમાં ભોજરાજપરા કુંભારવાડામાં રહેતો હરસુખ વાઘજી પરમાર નામનો શખ્સ દ્વારા શગુન કાઉ ઘી નામે ઘી બનાવતો હોવાની પી.એસ.આઇ. બી.એલ.ઝાલાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે રૂા.27.43 લાખની કિંમતનો 12,738 લિટર શંકાસ્પદ ઘી સહિતનો મુદ્ામાલ કબ્જે કરી નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથધરી છે. રિપોર્ટ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
કામગીરી :- ગોંડલ સિટી PI એમ.આર.સંગાડા તથા PI એ.બી.ગોહિલ તથા PSI બી.એલ.ઝાલા.તથા પો.હેડ.કોન્સ.યુવરાજસિંહ જાડેજા, પો.કોન્સ.યુવરાજસિંહ ગોહિલ,દિવ્યરાજસિંહ જાડેજા,મહેન્દ્રભાઈ ખીમસૂરિયા, જેન્તીભાઈ સોલંકી,વિશાલભાઈ સોલંકી,તથા ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ રાજકોટ સહિતનો સ્ટાફ જોડાયો હતો.