Virpur-Rajkot વીરપુરમાં રાજકોટ-પોરબંદર હાઇવે નં.૨૭ પર ઓવરબ્રિજ અથવા અન્ડરબ્રિજ બનાવવા ખેડૂતોની સાંસદ રમેશભાઇ ધડુકને રજુઆત.
જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં નેશનલ હાઈવે પરથી વીરપુર ગામમાં જવા માટેનો મુખ્ય રસ્તો છે તેમજ આ રસ્તો વીરપુર ગામ માંથી ગુરૂકુળ થઇ ચરખડી જવાનો જુનો રાજાશાહી વખતનો ગાડા મારગ પણ છે, જે રસ્તો હાલમાં હાઇ વે ક્રોસ કરીને જાય છે જેમને લઈને જુના ચરખડીના રસ્તે આવેલા ૪૦૦ થી ૫૦૦ જેટલા ખેડુતોની ખેતીની જમીન પણ આવેલી છે જેને કારણે ખેડૂતોને બળદગાડા કે ટ્રેકટર તથા માલધારીઓને પોતાના પશુઓ લઇને આ રોડ જતા હાઈવે ક્રોસ કરવાના કારણે અવાર નવાર અકસ્માત સર્જાય છે.
જેથી ખેડૂતોના તેમજ આ રસ્તે ચાલનાર રાહદારીઓને પોતાના જીવના જોખમે આ રસ્તે હાઇવે ક્રોસ કરવો પડે છે તો વીરપુર બસ સ્ટેન્ડ સામે આવેલ દેવપરા નામના વિસ્તારમાં ૬૦૦ જેટલા લોકોના પરિવારના રહેણાંક વિસ્તાર હોવાથી તે લોકોને ખરીદી કે પોતાના બાળકોને સ્કુલે જવા- આવવા માટે હાઇવે ક્રોસ કરીને જવું પડે છે કેટલાક લોકોએ તો આ રોડ ક્રોસ કરવામાં પોતાના જીવ પણ ગુમાવ્યા છે અને અનેક વાર અકસ્માત પણ સર્જાય છે જેને કારણે દેવપરા વિસ્તારના તમામ લોકોની અને ખેડૂતોની માંગ છે કે આ હાઇવે ક્રોસની જગ્યાઓ પર કાતો અન્ડરબ્રિજ બનાવો કાતો ઓવરબ્રિજ જેમને લઈને રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય અસ્વીનાબેન જનકભાઈ ડોબરીયા તેમજ રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરીયા તથા જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ વેલજીભાઈ સરવૈયા સહિતના આગેવાનોએ ખેડૂતોને સાથે રાખીને પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુકને સ્થળ પર બોલાવીને હાઈવે પર ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ બનાવવાની રજુઆત કરી હતી.
સાંસદ રમેશભાઈ ધડુકે હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાતચીત કરી બન્ને જગ્યાએ અન્ડરબ્રિજ અથવા ઓવરબ્રિજ બનાવવા આવશે તેવી બાંહેધરી આપતા લોકો અને ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી અને ખેડૂતોએ સાંસદ રમેશભાઈ ધડુકનો આભાર વ્યકત કર્યો હતો.