કોરોનમાં માતા-પિતા બેમાંથી એકને ગુમાવનારા 18 વર્ષથી નીચેની વયના બાળકોને સહાય આપવાનો મહત્વનો નિર્ણય કરાયો.
ગુજરાત સરકારે કોરોનાકાળમાં જે બાળકોને મા-બાપમાંથી કોઇ એકનું મોત થઇ ગયું હોય તેને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય કર્યો છે. રૂપાણી સરકારે માતા-પિતા બેમાંથી એકને ગુમાવનારા 18 વર્ષથી નીચેની વયના બાળકોને મહીને રૂ. 2 હજારની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ આ લાભ આપવાની રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે આ અંગે ઠરાવ બહાર પાડ્યો છે.

રાજ્ય સરકારે અગાઉ કોરોનામાં મા-બાપ બંનેને ગુમાવનારા બાળકોને દર મહીને રૂપિયા 4 હજારની સહાય આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ એક વાલી ગુમાવનારા બાળકને કોઇ સહાય આપવાની જાહેરાત ન થતાં આ અંગે પણ રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરાઇ હતી. આથી રૂપાણી સરકારે આ બાબતને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોનામાં 794 બાળકો અનાથ થયાં છે અને 3106 બાળકોએ એક વાલી ગુમાવ્યાં છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે સોમવારના રોજ ગઇ કાલે બહાર પાડેલા ઠરાવમાં એક વાલી ગુમાવનારા બાળકને ક્યાં સુધી સહાય અપાશે તેનો કોઇ જ ઉલ્લેખ કર્યો નથી.