Jetpur-Rajkot રાજકોટના જેતપુર તાલુકામાં છ માસમાં ૨૭૦૦ થી વધુ દર્દીઓના ડાયાલીસીસ કરાયા.
IKDRC દ્વારા સંચાલીત જેતપુર સિવિલ હોસ્પિટલના ડાયાલીસીસ વિભાગની નેત્રદિપક કામગીરી
ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીનાં જુદા-જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝનાં દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે. વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા ૮૫ કરોડથી વધુ છે. ૨૪ લાખ લોકો દર વર્ષે સી.કે.ડી.ને કારણે મૃત્યુ પામે છે અને જીવલેણ રોગોના લીસ્ટમાં સી.કે.ડી. છઠ્ઠા ક્રમે આવતો ગંભીર રોગ છે.
ડાયાબીટીસ અને લોહીનું ઉંચું દબાણ તે કિડની બગડવાનાં સૌથી મહત્વનાં કારણો છે. ક્રોનિક કિડની ડીસીઝ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. કિડનીના દર્દીઓમાં ક્રોનિક રીનલ ફેઈલરના કારણે તેના શરીરમાં ક્રીએટીનનું પ્રમાણ વધે છે, જેના લીધે દર્દીઓને લોહીના શુદ્ધિકરણ માટે જરૂરિયાત મુજબ સપ્તાહમાં એક થી બે વાર ડાયાલીસીસ કરાવવું જરૂરી હોઈ છે. આ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે લોહીનું શુદ્ધીકરણ કરવામાં આવે છે. આ રોગનાં અંતીમ તબકકાની સારવારનાં બે વિકલ્પો જીવનભર ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે. આ સારવાર ભારે ખર્ચાળ અને ઓછા સ્થળોએ ઉપલબ્ધ હોવાને લીધે બધા દર્દીઓને ઉપલબ્ધ થતી નથી. રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે સરકારી હોસ્પિટલ્સ, ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પ્ટિલ ખાતે ડાયાલીસીસ કરાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવેલ “માં અમૃતમ” કાર્ડ ધારકો નિઃશુલ્ક ડાયાલીસીસ કરાવી શકે છે.
સિવિલ હોસ્પિટલ-જેતપુર ખાતે સિવીલ સુપ્રિટેન્ડન્ટ ડો. નિકીતા પડિયાના માર્ગદર્શન હેઠળ ડાયાલીસીસ વિભાગમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ ટેકનિશ્યન ક્રિષ્ના કાછડીયાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ જેતપુર ખાતે ડાયાલીસીસ વિભાગ ચાર વર્ષ થી કાર્યરત છે. હાલમાં ડાયાલીસીસ વિભાગમાં રોજના ૨૦-૨૨ જેટલા ડાયાલીસીસ નિઃશુલ્ક કરવામાં આવે છે. હાલમાં આ વિસ્તારના ૫૪ જેટલા સારવાર લઈ રહ્યા છે. અમુક દર્દીઓના એકાતરા અથવા અઠવાડિયામાં બે દિવસ ડાયાલીસીસ કરવામાં આવે છે.આ બાબતે પ્રતિમાસ ૪૫૦-૫૦૦ જેટલા ડાયાલીસીસ કરવામાં આવે છે. દર્દીનું ડાયાલીસીસ કરી આપતા કુલ ૯ મશીન ઉપલબ્ધ છે. અહીં જેતપુરમાં જ ઘરઆંગણે નિશુલ્ક ડાયાલીસીસની સુવિધા ઉભી થવાને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ દર્દીઓને રાજકોટ સુધી જવું નથી પડતું.
IKDRC દ્વારા સંચાલીત જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે શરીરમાં લોહી બનવા માટે મદદરૂપ ૧૦,૦૦૦ ઇન્ટરનેશનલ યુનિટના ઈન્જેક્શનની સુવિધા વીનામુલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત, દર્દી એક અવાજે ફરજ પરના નર્સ તેમની મદદ માટે પહોંચી જાય છે અને દર્દીની જરૂરીયાત મુજબની મદદ કે સારવાર આપવામાં આવે છે. કિડનીના દર્દીઓની સારવાર માટે નેફ્રોલોજીસ્ટ ડો. મયુર મકાસણા સમયાંતરે સેવા આપે છે. જેતપુર સિવીલમાં ચાલુ વર્ષ ૨૦૨૧ દરમિયાન કુલ ૨,૭૯૬ જેટલા ડાયાલીસીસ કરાયા હતા. જાન્યુઆરી-૨૧ માં ૪૫૫ જેટલા, ફેબ્રુઆરી-૨૧ માં ૪૨૪ જેટલા, માર્ચ-૨૦ માં ૫૧૫ જેટલા, એપ્રિલ-૨૧માં ૪૭૧ જેટલા, મે-૨૧માં ૪૭૩ જેટલા, જુન-૨૧માં ૪૫૮ જેટલા ડાયાલીસીસ કરાયા હતા, તેમ ટેકનિશ્યન ક્રિષ્નાએ જણાવ્યું હતું.
IKDRC ના સૌરાષ્ટ્રમાં ૧૭ જેટલા સેન્ટર કાર્યરત છે, જેના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, યોગ્ય કાળજી દ્વારા કિડની રોગ થતાં અટકાવી શકાય છે. વહેલા નિદાન દ્વારા રોગ મટી શકે છે અથવા યોગ્ય સારવાર અને પરેજી દ્વારા લાંબા સમય સુધી તબિયત સારી રાખી શકાય છે. કિડનીના રોગોને અટકાવવા અને તેની કાળજી માટે વિશ્વભરના દરેક ભાગમાં રહેતા બધા જ લોકોને કિડની અંગે પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે. કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો ના થાય ત્યાં સુધી રોગના કોઈ ચિહ્નો જોવા મળતા નથી.