Gondal-Rajkot સાંસદશ્રી રમેશભાઇ ધડુકની- અધ્યક્ષતામાં ગોંડલ તાલુકાના સાંસદ આદર્શ ગ્રામ મોટા સુખપુર ખાતે વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઇ.

મોટા સુખપુરને ગાંધીજીની કલ્પનાને સાકાર કરતું સર્વાંગી વિકાસ ઘરાવતું આદર્શ ગ્રામ બનાવાશે-સાંસદશ્રી રમેશભાઇ ઘડુક 

વર્ષ ૨૦૧૪થી આદર્શ ગ્રામ યોજના અમલી બનાવાઇ છે. જે અન્વયે પોરબંદર વિસ્તારના સાંસદશ્રી રમેશભાઇ ધડુક દ્વારા ગોંડલ તાલુકાના મોટા સુખપુર ગામને આદર્શ ગામ તરીકે વિકસાવવા માટે પસંદ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે આજ રોજ સાંસદશ્રી ધડુકની અધ્યક્ષતામાં માળખાકીય વિકાસ અંગેની સમીક્ષા બેઠક મોટા સુખપુર ગામે યોજાઇ હતી.

               આ બેઠકમાં સાંસદશ્રી રમેશભાઇ ધડુકે ગામ પાસેથી પસાર થતી નદી ખાતે પુર સંરક્ષણ દિવાલ, નવી આંગણવાડી, આસપાસના લોકોને આરોગ્ય સેવા સુચારૂ રૂપે મળી શકે તે માટે જર્જરિત સબ આરોગ્ય સેન્ટરના સ્થળે નવું મકાન, પશુ દવાખાનું, નિશ્ચત કરેલ જગ્યાએ સહકારી મંડળી માટે ગોડાઉન, જાહેર શૌચાલય, સ્મશાન ફરતે કંમ્પાઉન્ડ વોલનું નિર્માણ, ગામને પીવાના પાણી માટેનો પૂરતા જથ્થાની વ્યવસ્થા માટે ઉચીં ટાંકી બનાવવી, એસ.ટી. રૂટની બસની સુવિધા ફાળવવી, સુલતાનપરથી મોટા સુખપુરને જોડતા રસ્તાનુ કામ, ઇ-ગ્રામ સુવિધા અન્વયે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર સહિતના આનુષંગિક સાધનો ઉપલબ્ધ કરાવવા, ગ્રામ પંચાયતના મકાનનું સમારકામ જેવા વિવિધ વિકાસકામો અંગે વિગતો મેળવી હતી.

સાંસદશ્રી રમેશભાઇ ધડુકે આ તકે મોટા સુખપુર ગામને પૂ. ગાંધીજીની કલ્પનાને મુર્તિમંત કરતું સામાજિક સમરસ અને આરોગ્ય, શિક્ષણ, પાણી, વીજળી, આસપાસના ગામ અને તાલુકાના મહત્વના સ્થળો સાથે રોડ કનેકટીવીટી, પરીવહન જેવી તમામ માળખકીય સુવીધાસભર સુંદર અને સ્વચ્છ ગ્રામ તરીકે વિકસાવશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતેા. આ અંગે સ્થળ પર જ અમલીકરણ અધિકારીઓ સાથે ગામના વિકાસલક્ષી કામો અંગે વિસ્તૃત વિગતો મેળવી સ્થળ પર જ આ તમામ વિકાસ કામો બાબતે નીરાકરણ લાવી વહેલી તકે આ કામો પૂર્ણ થાય તે માટે જરૂરી આદેશો કર્યા હતા.

તેઓએ ૧૫મા નાણાપંચની જોગવાઇ, મનરેગા યોજના અને સાંસદની ગ્રાંટમાંથી આંગણવાડી માટે રૂા. ૧.૫૦ લાખ તથા ઇ- ગ્રામ સુવિધા માટે કોમ્પ્યુટર અને આનુસંગિક સાધનો માટેનો ખર્ચ આપવાની જાહેરાત કરી હતી. જયારે સ્મશાનને કંમ્પાઉન્ડ વોલ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયાએ રુા. ૫ લાખની ગ્રાંટ ફાળવણીની જાહેર કરી હતી. અને કોરોના પ્રતિરોધક રસીનો સૌ ગામલોકોએ લાભ લઇને ગામને કોરોના સામે સુરક્ષીત બનાવવા અપીલ કરી હતી.

 કાર્યક્રમના પ્રારંભે જિલ્લા આયોજન અધિકારીશ્રી નીતિન ટોપરાણીએ આદર્શ ગામ યોજના વિષે વિસ્તૃત માહિતી ઉપસ્થિત ગામ લોકોને આપી હતી. જેમાં વર્ષ ૨૦૧૪થી અમલી બનાવાયેલી આ યોજના અંતર્ગત સાંસદશ્રી દ્વારા પસંદ કરાયેલ ગામને પીવાનું શુધ્ધ પાણી, વિજળી, શૈક્ષણીક સંસાધનો, આરોગ્યલક્ષી સુવિધા, રસ્તા સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓ અને સામાજીક સમસરતા સાથે સર્વાગી વિકાસ ધરાવતું ગ્રામ બનાવવામાં આવે છે, તેમ જણાાવ્યૂં હતું.

બેઠકના પ્રારંભે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ દિવંગતોને બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. ત્યાર બાદ ગોંડલ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ દ્વારા ઉપસ્થીત સૌનું શાબ્દીક સ્વાગત કરાયું હતું.

કાર્યક્રમ દરમિયાન સાંસદશ્રી ધડુક અને મહાનુભાવોના હસ્તે કોરોના મહામારીમાં શ્રેષ્ઠ સેવાકીય કામગીરી કરનાર આરોગ્ય કર્મી ડો.રોહિત ભાલાળા, ડો. ગૌરવ રૂપારેલ, જયોતીરાદિત્યસિંહ જાડેજા, ડો. ગોહેલ અને ગામના અગ્રણી અને શ્રેષ્ડીઓનું સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું        

         આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પુજા બાવડા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાર્ગવભાઇ આંદીપરા, દંડકશ્રી હરેશભાઇ શેખડા, સરપંચશ્રી વિજયભાઇ ડોબરીયા, મામલતદારશ્રી નકુમ, તાલુકા વિકાસ અધિકારી શ્રી હર્ષવર્ધનસિંહ જાડેજા, સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, ગામના અગ્રણીઓ, સદસ્યશ્રીઓ અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.     

error: Content is protected !!