રાજકોટની કુંડલીયા કોલેજ ખાતે રેમડેસિવીર ઇન્જેક્શન માટે આજથી શરૂ કરાયું મધ્યસ્થ કેન્દ્ર:૩૦૦૦ રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ.ત્રણ શિફ્ટમાં ૨૪ કલાક કાર્યરત રહેશે.
કોરોનાની મહામારીમાં વધતા જતા કેસોને ધ્યાને લઇને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલ જરૂરિયાતવાળા દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શન એક જગ્યાએથી સરળતાપૂર્વક લોકોને મળી રહે તે માટે રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મધ્યસ્થ કેન્દ્ર ચૌધરી હાઇસ્કૂલ નજીક આવેલી મીનાબેન કુંડલીયા કોલેજ ખાતે શરૂ કરવામાં આવ્યું છે, તેમ પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું.
પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, આજથી શરુ થયેલ વિતરણ કેન્દ્ર ખાતે ૩૦૦૦ રેમન્ડેસિવીર ઇન્જેક્શન જથ્થો ઉપલબ્ધ છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે રેમડેસિવીર ઈન્જેક્શનની જરૂરિયાત મુજબ ડીમાન્ડ મૂકવાની રહેશે. જેમાં દાખલ દર્દીના કેસની વિગત, ડોક્ટરનું પ્રિસ્ક્રપશન, કેસની હિસ્ટરી, દર્દીના આધાર કાર્ડની નકલ તથા દર્દીનો આર.ટી.પી.સી.આર રિપોર્ટ અચૂક આપવાનો રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેન્દ્ર સમગ્ર રાજકોટ જિલ્લાનું રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવાનું મધ્યસ્થ કેન્દ્ર બન્યું છે. જરૂરિયાતમંદ દર્દીઓને કોઈપણ સમયે રેમડેસિવીર ઇન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે સવારે ૦૭ થી બપોરે ૨, બપોરે ૨ થી રાત્રે ૧૦ અને રાત્રે ૧૦ થી સવારે ૦૭ વાગ્યા સુધી ત્રણ શિફ્ટમાં ૨૪ કલાક કેન્દ્ર કાર્યરત રહેશે.
રાજકોટ જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ શહેરની ખાનગી હોસ્પિટલો કુલ ૩૧ જેટલી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ, નર્સિંગ હોમ તથા હોમ આઈશોલેશનમાં રહેલા દર્દીઓને કલેકટર ઓફિસના કંટ્રોલ રૂમ દ્વારા નક્કી કરવામાં આવે તે જ દર્દીઓને અહીંથી ઇન્જેક્શન મળી રહેશે. તેમજ રેમડેસિવીર ઇન્જેક્શનને સાચવવા માટે ૩૦ ડિગ્રીથી નીચા તાપમાનમાં સ્ટોર કરવી પડે છે એ માટે ફ્રીજની સુવિધા પણ ઉપલબ્ધ છે. જે વ્યક્તિઓને આ ઇન્જેક્શન આપવામાં આવશે તેના નામ નંબર મુજબ તેમનું દરરોજનું રજીસ્ટર પણ નિભાવવામાં આવશે. મધ્યસ્થ કેન્દ્ર ખાતે ઇન્જેક્શન લેવા આવતા લોકો માટે બેસવાની સગવડતા તેમજ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી હોવાનું શ્રી ગઢવીએ જણાવ્યું છે.