પાકિસ્તાનનો ટેણિયો સરહદ પાર કરી ભારતની સીમામાં પહોંચ્યો, બિસ્કીટ-ચોકલેટ ખવડાવી સેનાએ પરત સોંપ્યો.
ભૂલથી બોર્ડર ક્રોસ કરી ગયો હતો પાકિસ્તાનનો બાળક, BSFએ ફ્લેગ મીટિંગ કરી પરત સોપ્યો
રાજસ્થાનનો બાડમેર જિલ્લો પાડોશી દેશ પાકિસ્તાનથી સરહદ આવેલો છે. શુક્રવારે, 8 વર્ષીય નિર્દોષ કરીમ અચાનક પાકિસ્તાનથી ભારતીય સરહદમાં પ્રવેશ્યો. સૈનિકોએ તેને જોયો ત્યારે તે મોટેથી રડવા લાગ્યો. આવી સ્થિતિમાં ભારતીય સૈનિકોએ માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું અને બિસ્કીટ, ચોકલેટ અને પાણી પીવડાવીને નિર્દોષને ફરી પાકિસ્તાનને સોંપ્યો હતો.
આ માસૂમ બાળક મેલાઘેલા કપડાં અને હાથમાં પાણીની બોટલ સાથે રણમાં ભટકતો ભટકતો ભારતીય સીમામાં ઘૂસી ગયો હતો. જોકે, બાળકને જોતા જ પેટ્રોલિંગ સ્ટાફે તરત તેને રોકી લીધો હતો. આ આંતરાષ્ટ્રીય સરહદ રાજસ્થાનના બાડમેરની હતી જ્યાંથી તે બાળક ઘૂસ્યો હતો. આ જ બોર્ડર પર અનેક વાર બીએસએફ દ્વારા ઘૂસણખોરીના બનાવોમાં ફાયરિંગ કરી અને ઘૂસવા માંગતા લોકોને ઠાર મારવામાં આવ્યા છે પરંતુ બાળક હોવાના કારણે પહેલાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.
સેનાને જોઈને ગભરાઈ ગયેલો બાળક આઘાતમાં હતો અને રડવા લાગ્યો હતો. જોકે, BSFએ માનવીય અભિગમ રાખતા તેને પહેલાં તો ભોજન આપ્યું અને બાદમાં બ્લુ ફ્લેગ બતાવી અને પીલર પાસે પાકિસ્તાની રેંજર્સ સાથે મંત્રણા કરી હતી. આ મંત્રણામાં જાણવા મળ્યું કે બોર્ડરથી ત્રણ કિલોમીટર દૂર એક ગામ આવેલું છે ત્યાંનો રહેવાસી આ બાળક ભૂલમાં આવી ચઢ્યો છે.
આ મંત્રણા બાદ બિનશરતી રીતે આ બાળકને પાકિસ્તાની રેંજર્સને સોંપવામાં આવ્યો અને પાકિસ્તાની રેંજર્સે તે બાળકને પોતાના પરિવારે પાસે પહોંચાડ્યો. બનાસકાંઠા, કચ્છ, રાજસ્થાનની આવી તારના વાડ વગરની સરહદ પર અનેક વાર લોકો સરહદ ક્રોસ કરી જતાં હોય છે ત્યારે મુસીબત સર્જાતી હોય છે. જોકે, ઈશ્વરના રૂપ સમાન આ બાળકને સેનાએ માનવતાના ધોરણે પરત મોકલી આપ્યો હતો.