Jasdan-Rajkot જસદણની સિવિલ હોસ્પિટલમાં માત્ર ત્રણ મેડીકલ ઓફિસરથી જ ગબડાવાતું ગાડું.
- અંદાજે 1 વર્ષ પહેલા સરકારી હોસ્પિટલને સિવિલનો દરજ્જો મળ્યો પણ ક્લાસ-1 અધિકારીઓ ન મળ્યા.
- સ્ત્રીરોગ, બાળરોગ, હાડકા, એમ.ડી., એમ.એસ.સર્જન, કાન-નાક ગળા સહિતના મહત્વના તબીબોની જગ્યાઓ દાયકાઓથી ખાલી પડી છે.
જસદણની સરકારી હોસ્પિટલને અંદાજે એકાદ વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળ્યો હતો. પરંતુ આજદિન સુધી ક્લાસ-1 તબીબોની જગ્યાઓ ભરવામાં આવી ન હોવાથી હાલ માત્ર ત્રણ મેડીકલ ઓફિસરોથી જ ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. દાયકાઓથી આ હોસ્પિટલમાં સ્ત્રીરોગ, બાળરોગ, હાડકા, એમ.ડી., એમ.એસ. સર્જન અને કાન-નાક ગળા સહિતના મહત્વના તબીબોની જગ્યાઓ ખાલી પડી હોવાથી દર્દીઓને સારવાર મેળવવા નાં છૂટકે અહીની ખાનગી હોસ્પિટલનો અથવા રાજકોટની હોસ્પિટલોનો સહારો લેવો પડી રહ્યો છે. આ હોસ્પીટલમાં કરોડો રૂપિયાના સાધનો પણ પડ્યા છે પણ તબીબોના અભાવે હાલ ધૂળ ખાઈ રહ્યા છે. આ હોસ્પીટલમાં સરકાર દ્વારા નવી એમ્બ્યુલન્સની સુવિધા પણ આપવામાં આવી છે. પરંતુ આ હોસ્પીટલમાં નિષ્ણાંત તબીબોના અભાવે ઈમરજન્સી સહિતના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવે તો છે પરંતુ નિરાશવદને પાછું ફરવું પડે છે.આ હોસ્પીટલમાં દરરોજ આશરે 400 જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. પરંતુ પુરતી સારવાર મળતી ન હોવાથી નિરાશવદને પાછું ફરવું પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ હોસ્પિટલમાં બાળકોના તબીબો પણ નથી. જેના કારણે બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.54 ગામડાઓના દર્દીઓ વચ્ચે આ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. ત્યારે માત્ર ત્રણ મેડીકલ ઓફિસરથી કામગીરી ચલાવાતી હોવાથી દર્દીઓ અનેક મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ હોસ્પીટલમાં ખાસ કરીને સોનોગ્રાફી મશીન તેમજ લેબોરેટરીમાં માઈક્રોસ્કોપ મશીન નહી હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આ હોસ્પીટલમાં પુરતી સારવાર ન મળતા ખાનગી હોસ્પિટલોને બખ્ખા.આ વિસ્તારના દર્દીઓને 108 એમ્બ્યુલન્સની સેવાનો લાભ તો મળ્યો છે. પણ ગંભીર હાલતમાં આવતા દર્દીઓને હોસ્પીટલમાં યોગ્ય સારવારનો લાભ ન મળે તો એમ્બ્યુલન્સ શું કામની. અત્રેની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સારવાર મળતી ન હોવાથી તેનો લાભ વર્ષોથી ખાનગી ડોકટરો લઈ રહ્યા છે અને ગરીબ દર્દીઓ આર્થિક ભીંસ ભોગવી રહ્યા છે. આ હોસ્પિટલને પ્રતિ વર્ષ દવા અને અન્ય ખર્ચ માટે પુરતી ગ્રાન્ટ ફાળવવામાં તો આવે છે. પણ તેનો ઉપયોગ થઈ શકતો નથી. જેથી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક જસદણની સિવિલ હોસ્પીટલની મુલાકાત લેવામાં આવે અને ખાલી પડેલી ક્લાસ-1 તબીબોની જગ્યા ભરવામાં આવે તેવી જસદણ શહેર અને પંથકની ગરીબ દર્દીઓની માંગણી ઉઠવા પામી છે.
અહેવાલ:-પિયુષ વાજા.જસદણ.