Vinchhiya-Jasdan વિંછીયા તાલુકામાં કોરોના વેક્સીન અંતર્ગત ડ્રાય રન યોજવામાં આવી.
- જિલ્લા એપેડેમિક ઓફીસરે દિવ્ય ભાસ્કરને વેક્સીન અંગે ખાસ માહિતી આપી.
- લાભાર્થીને કેવી રીતે વેક્સીન આપવી, વેક્સીન આપ્યા બાદ તેમને ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનીટ સુધી આરોગ્ય ટીમ દ્વારા નિરીક્ષણ હેઠળ રાખવા સહિતની માહિતી અપાઈ.
સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતિક્ષા કરી રહ્યો છે. જુદી જુદી મેડીકલ ટીમો દ્વારા કોરોના વેક્સીનને લઈને ટ્રાયલ ચાલી રહી છે. ખુબ જ ટૂંકા સમયમાં કોરોના વેક્સીન સમગ્ર વિશ્વમાં આવવાની તૈયારીઓ જણાઈ રહી છે.
ત્યારે વિંછીયા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા કોરોના વેક્સીન આવ્યા પહેલા સંપૂર્ણ તૈયારીના ભાગરૂપે અગાઉ ત્રણ સ્થળોએ કોરોના વેક્સીનેશનના ભાગરૂપે મોકડ્રીલ (ડ્રાય રન) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અજમેરા હાઈસ્કૂલ-વિંછીયા, પ્રાથમિક શાળા-ભડલી અને પ્રાથમિક શાળા-અમરાપુર ખાતે વિંછીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાજા ખાંભલાના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર, એફ.એચ.ડબલ્યુ, એમ.પી.ડબલ્યુ., કોમ્પ્યુટર ઓપરેટર, આશા ફેસીલીટેટર, આશા વર્કર સહિતની ટીમ દ્વારા આ મોકડ્રીલ(ડ્રાય રન) યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લાના એપેડેમિક(રોગચાળા નિયંત્રણ) ઓફિસર ડો.રાઠોડ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને લાભાર્થીને કેવી રીતે વેક્સીન આપવું, વેક્સીન આપ્યા બાદ તેમને ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનીટ સુધી આરોગ્ય ટીમ દ્વારા નિરીક્ષણ હેઠળ રાખવા તેમજ કોઈપણ પરિસ્થિતીને કેવી રીતે સંભાળવી સહિતની મોકડ્રીલ યોજવામાં આવી હતી.
જિલ્લા એપેડેમિક ઓફીસર ડો.રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં શરૂ થનાર કોવિડ-19 વેક્સીનેશન દરમિયાન વિંછીયા હેલ્થ ઓફિસ દ્વારા પસંદગી કરાયેલ સ્થળોએ ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવશે. જેમાં પ્રથમ વેઈટિંગ રૂમ, દ્વિતીય વેક્સીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ. જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યક્તિના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે અને વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે. દ્વિતીય રૂમમાં વેક્સીન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ co-win સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સીન લેનારને 30 મીનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યાં પણ વ્યક્તિએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે.
જસદણ:-પિયુષ વાજા દ્વારા