Gondal-Rajkot ગોંડલ નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લાગી આગ, કારમાં સવાર ત્રણ લોકોના મોત.
ગોંડલ નેશનલ હાઇવે પર વહેલી સવારે કાર-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ગોંડલના બિલિયાળાના પાટિયા નજીક કપાસ ભરેલ ટ્રક અને i 10 કાર વચ્ચે અકસ્માત સર્જાતાં જ બંને વાહનોમાં આગ લાગી હતી. આગ લાગતાં i10 કારમાં (૧)મીરાંબા મહેશસિંહ રાયજાદા (ઉં.વ.૫૨)(૨)રેખાબા ભીખુભા જાડેજા (ઉં.વ.૫૨) (૩) રશિકબા કિશોરસિંહ રાયજાદા રહે.ગોંડલ ડેરાશેરી સવાર 3 મહિલા ભડથું થઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં ગોંડલ નગરપાલિકાનાં એમ્બ્યુલન્સ, હાઇવે ઓથોરિટી અને ગોંડલ તાલુકા પોલીસ અને ૨ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી વાહનો પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
મળતી માહિતી મુજબ કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી અને ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇવે ક્રોસ કરી રહી હતી. કારમાં ગોંડલનો પરિવાર સવાર હતો.અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. હાલ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. અકસ્માતની ઘટના બાદ ગોંડલ તાલુકા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.