જેલર ખુદ જેલમાં-ગોંડલ જેલમાં કેદીઓને સવલતો પૂરી પાડવાના ગુનામાં પોતે પણ કેદી બની ગયો: ગુજસીટોકના ગુનામાં ૮ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સ્પે. કોર્ટના આદેશ પછી પોરબંદર જેલમાં ધકેલી દેવાયો.
ગોંડલ સબજેલમાં રહીને કાઈમ ઓર્ગેનાઈઝેશન ચલાવતા નામચીન નિખિલ દોંગા અને તેની ટોળકીને જેલમાં જ સવલતો પુરીપાડવાના આરોપસર પકડાયેલા જેલરની ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.ગુજસીટોકના ગુનામાં જેલરના ૮ દિવસના રિમાન્ડ પુરા થતા પોરબંદર જેલમાં ધકેલવા સ્પેશિયલ કોર્ટે હુકમ ફરમાવ્યો છે.
જેલના કેદીઓ સાથે ધરોબો ધરાવતા અને ગુજસીટોકના ગુનામાં પકડેલ આરોપી ધીરુભાઈ કરશનભાઈ પરમાર (રહે. ચાંદખેડા સત્યમેવ હોસ્પિટલ સામે જય વિસત રોયલ ફલેટ પાંચમાં માળે બી- ૫૦૧. અમદાવાદ) અગાઉ ગોંડલ સબ જેલ ખાતે જેલર તરીકે ફરજ બજાવતા હતા તે વખતે આ સંગઠીત ગુના આચરતી ટોળકીના મુખ્યલીડર આરોપી નીખીલ દોંગા ગુન્હાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ હોવાનું જાણતા હોવા છતાં તેની સાથે સંપર્કમાં રહી જેલ અંદર મોબાઈલ ફોન તથા ટિફિન તેમજ બીજી અન્ય સવલતો આપેલ હોવાના મળેલ પુરાવા આધારે ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરી કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં યોગ્ય સહકાર આપતા ન હોય જેથી આરોપીના અલગ અલગ મુદ્દાઓની તપાસ માટે પોલીસ દ્વારા જેલરના ૮ દિવસના રિમાન્ડ માગ્યા હતા. આરોપી જેલર ધીરૂ પરમારના ૮ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં જજે બંને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઇ ગુજસીટોકના ગુનામાં પોરબંદર જેલ ખાતે ખસેડવા હુકમ કર્યો છે.
કેસમાં સરકારપક્ષે ગુજસીટોકના સૌરાષ્ટ્ર ખાતેના સ્પે.પીપી તરીકે પ્રખર ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી અને જેલરના બચાવ પક્ષે ગોંડલના સાવન પરમાર, ભગિરથસિંહ ડોડીયા, ખોડુભાઈ સંકરિયા, જયવીર બારૈયા,હિમાંશુ પારેખ અને દીપ વ્યાસ રોકાયા હતા.