Jasdan-Rajkot જસદણ નજીક બાયો ડીઝલ ભરેલું ટેન્કર ભડભડ સળગી ઉઠ્યું, પંપનો ભાડુઆત દાઝ્યો.- ગુરૂવારે મોડી રાત્રીના બાયો ડીઝલ ભરેલું ટેન્કર સળગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.- જસદણ ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
એકબાજુ રાજ્યભરમાં બાયો ડીઝલના વેચાણ પણ પ્રતિબંધ લગાવાયો છે. છતાં અનેક પંપના માલિકો રાતોરાત કરોડપતિ બની જવાની લ્હાયમાં રાત્રીના ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનું વેચાણ કરતા હોવાથી સરકારની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જસદણના લીલાપુર રોડ પર આવેલ સોમનાથ હોટેલ પાસે ગુરૂવારે મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ એક બાયો ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી.
જ્યાં આ આગ લાગી હતી ત્યાં બાયો ડીઝલનો પંપ પણ આવેલો હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે આ બનાવમાં ટેન્કરમાંથી બાયો ડીઝલ પંપમાં ઠાલવવામાં આવતું હતું ત્યારે અગમ્ય કારણોસર આગ લાગતા પંપનો ભાડુઆત દાઝી જતા સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવના પગલે હોટેલના માલિક સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાના પૂરતા પ્રયત્નો કર્યા હતા. છતાં આગ કાબુમાં નહી આવતા જસદણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં જસદણ ફાયર બ્રિગેડની બે ગાડીઓએ પાણીનો મારો ચલાવી કલાકો પછી આગને કાબુમાં લીધી હતી. જોકે ક્યા કારણોસર આ આગ લાગી હતી તે હજુ જાણવા મળ્યું નથી.
તંત્રને અંધારામાં રાખી બાયો ડીઝલનું વેચાણ કરવા માટે ટેન્કર ઠલવાતું હતું ત્યારે જ ટેન્કરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
જસદણના લીલાપુર રોડ પર આવેલ સોમનાથ હોટેલ પાસે ગુરૂવારે મોડી રાત્રીના 2 વાગ્યા આસપાસ બાયો ડીઝલનો પંપ ભાડેથી ચલાવતો મૂળ જસદણ તાલુકાના કમળાપુર ગામનો અને હાલ જસદણમાં રહેતો ધર્મેશ અરવિંદભાઈ રામાણી પંપે હતો. ત્યારે પંપની બાજુમાં જ રહેલા બાયો ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગતા આખું ટેન્કર ભડભડ સળગી ઉઠ્યું હતું. જેમાં પંપનો ભાડુઆત ધર્મેશ રામાણી શરીરે દાઝી ગયો હતો. જેથી તેને તાત્કાલિક 108 ની મદદથી જસદણ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એકબાજુ બાયો ડીઝલનું વેચાણ બંધ છે. તો શા માટે આ બાયોડીઝલ ભરેલું ટેન્કર આ પંપે આવ્યું હતું અને જો વેચાણ બંધ છે તો શા માટે બાયો ડીઝલને ઠાલવવામાં આવતું હતું તે એક સવાલ બની ગયો છે. શું રાતોરાત કરોડપતિ બનવાની લ્હાયમાં આ બાયોડીઝલ ભરેલું ટેન્કર મંગાવવામાં આવ્યું હતું કે પછી સરકાર દ્વારા બાયો ડીઝલના વેચાણની છૂટ આપી દેવામાં આવી હતી તે એક સવાલ છે.
મેં તે પંપ જસદણના ધર્મેશ રામાણીને ભાડે દીધો છે: લાલજીભાઈ ભીખાભાઈ કાકડીયા-હોટેલના માલિક.
મને ગુરૂવારે મોડી રાત્રે 2 વાગ્યે હોટેલેથી ફોન આવ્યો હતો કે આપણી હોટેલે ટેન્કર સળગે છે. એટલે હું તાત્કાલિક ત્યાં ગયો અને ધર્મેશભાઈ થોડાક દાજ્યા હતા એટલે મેં 108 ને ફોન કર્યો હતો અને સારવાર માટે ખસેડ્યા હતા. બાકી આ ટેન્કર શા માટે આવ્યું હતું તેની મને ખબર નથી.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.