“પ્રાર્થનાની વાસ્તવિકતા”             આપણા જીવનમાં પ્રાર્થના કેટલી મહત્વની છે?આ પ્રશ્નનો જવાબ તમે આપો તે પહેલા હું સ્પષ્ટ કરું છું કે હું નહીં પ્રાર્થના નામની કોઈ છોકરીને વાત નથી કરતો બલ્કી ઈશ્વર માટેની પ્રાર્થના ની વાત છે હો ભાઇ…… એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે પ્રાર્થના દ્વારા આપણે ઇશ્વર સાથેનું આપણું એક જોડાણ ઊભું કરીએ છીએ અને પોતાની આકાંક્ષાઓ તથા સુખ દુઃખની વાતો તેના સુધી પહોંચાડીએ છીએ. દરેક અવસ્થામાં તથા દરેક ક્ષણે આપણે આ માધ્યમનો પૂર્ણ ઉપયોગ કરીએ છીએ. પ્રાર્થનાના ઘણા પ્રકાર છે. ઘણી પ્રાર્થના સહજ હોય છે તો ઘણી આંતર ચેતનામાંથી પ્રગટ થતી હોય છે, તો વળી ઘણી પ્રાર્થના પરપોટા જેવી હોય છે જે ક્ષણ વાર પુરતી જ ‌આવે અને જતી રે. આપણે પ્રાર્થના સુખ મેળવવા, ઉપરાંત ધન,લાભ, શાંતિ, સંતતિ, વૈભવ, કુટુંબના હિત, પ્રેમ વગેરે પૂર્તિ કરવા માટે કરીએ છીએ. એટલે મોટા ભાગે તો આપણી પ્રાર્થના સ્વાર્થભાવથી જ થતી હોય છે. પણ પ્રાર્થના કેટલી વ્યાજબી છે તે પ્રાર્થનાના કરનાર અને પ્રાર્થનામાં કયો ભાવ છે? શું માગો છો? એના પર રહેલો છે. જો આપણે સબળા હોઇએ દરેક વસ્તુ પ્રાપ્ત કરવા સક્ષમ હોય એ કે પછી આપણી દરેક ઈચ્છાવૃત્તિ સફળતાથી પૂર્ણ થતી હોય તો આપણા જીવનમાં આ પ્રાર્થના શબ્દ કે ભાવનું કોઈ જ મહત્વ કે સ્થાન ન જ હોત. 

           પરંતુ પ્રાર્થના એ આપણી નિર્બળતા તથા સંપૂર્ણ લાચારીની અવસ્થીમાં સહજ થતી પ્રક્રિયા છે. પ્રાર્થના કરતી વખતે આપણને આપણી જ અપૂર્ણતાનો ખ્યાલ આવે છે. હવે આમાં પણ ઘણી વખત ઘણા લોકોને ઈગો પ્રોબ્લેમ હોય છે. કે ઈશ્વર સામે પણ હું શું કામે કંઈ માગુ? શું કામે રોદણું રોવા જવું? પરંતુ એક વાત અહીં સમજવા જેવી એ છે કે લોકો પાસેથી માગેલું કે આપેલું છીનવાશે અને જેને તમારું કર્યું છે, રાખ્યું છે તે ઉપરથી આખા સમાજને તમારી દશા, વ્યથા કહેતો ફરશે અને પોતાની કરેલી મદદની મહાનતા દર્શાવતો ફરશે. જયારે ઈશ્વર માગ્યું તો શું વણમાગ્યું પણ આપે છે. અને સૌથી મોટી વાત તો એ કે ક્યારે પણ આ વાતને ઈશ્વર દર્શાવતો નથી. અને કદાચ એ આપણને માગ્યા કરતા વધારે આપે છે. તથા હસતા મોઢે તે આપણી ઈચ્છાઓ આપણા ખોળામાં નાખે છે. 

                 ઈશ્વર જ્યારે આપણા પર ‘અહૈતુક’ કૃપા કરે ત્યારે આપણને  ભાવ આવે, વિચાર આવે કે આપણે તેને યાદ કરવાનો છે. તેને ભજવા માટે તેની પ્રાર્થના કરવા માટે પણ તેની જ કૃપા આવશ્યક છે. પ્રાર્થનાના મૂળમાં જો ભાવ હોય, સત્યતા હોય, સાત્વિકતા હોય, કરુણા હોય, અહમશૂન્યતા હોય, પોતાની લાચારી અને નિર્બળતાનો અહેસાસ હોય તથા ખરેખર ઈશ્વરને આ જ ભાવથી જો પ્રાર્થના કરવામાં આવે તો એ ત્વરિત સ્વીકારે છે. ઘણી વખત એવું બનતું હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણા સૌનો અનુભવ પણ હોય છે કે ધાર્યા પ્રમાણે કે ઈશ્વર પાસે જે વાત કે વસ્તુ માટે સતત પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતા હોઈએ એ વસ્તુ કે ઈચ્છા આપણી પૂર્ણ ન થાય અથવા થાય તો આપણા ધાર્યા પ્રમાણેનું પરિણામ પ્રાપ્ત ન થયું હોય. ત્યારે એક ભાવ મનમાં આવે કે આમ કેમ? શું ખામી રહી હશે મારી પ્રાર્થનામાં?  પણ ખરેખર ઈશ્વર તમારી લાયકાત અને ક્ષમતા તથા તમારુ હિત અથવા થનાર નુકશાનથી બચાવવાના ભાવથી આપણી યોગ્યતાના આધારે ફળ આપે છે. પછી લાખો પતિ થવાની જ ક્ષમતા હોય અને કરોડપતિ થવાના સ્વપ્નો પૂરા ન થાય તો એમાં ઇશ્વરની જ ઇચ્છા માનવી જોઈએ. હવે અહીં પૈસાની વાત આવી એટલે ઘણા એવું વિચારે કે મહેનત કરીએ તો કરોડપતિ પણ થવાય.  તો અહીં આપને હું જણાવી દઉં કે મહેનત તો બિલ્ડીંગ બનાવતા મજૂરો કરે છે પણ બિલ્ડીંગ બનાવનાર પૈસાદાર થાય છે. તો એક વાત એવી આવી કે બનાવવા વાળા બિલ્ડરર્સના નસીબમાં ઈશ્વરે એટલે કે ભાગ્યના લખનારે આ ઘટના એ રીત મૂકેલી હશે. સખત તનતોડ મહેનત કરવા છતાં પણ પહેલા મજૂરો કરોડોની બિલ્ડીંગ બનાવતા હોવા છતાં પણ એના એજ‌. અહીં કમૅનો સિધ્ધાંત પણ સાથે કામ કરે જ છે. પણ વાત અહીં ઉદાહરણ આપી પ્રાર્થનાની માંગ અને એ માંગણી પૂર્તિ માટેની આપણી યોગ્યતા પર કંઈ રીતે આધાર રાખે એ છે . 

             મારી દ્રષ્ટિએ આપણે જેમ બાહ્ય જરૂરિયાતો મતલબ કે લૌકિક જરૂરિયાતો પ્રાપ્ત કરવા, હક્ક મેળવવા જેમ જે તે ખાતામાં અરજી કરીએ છીએ. એક લીગલ ફોર્મેટ પર ચાલીએ છીએ. તેમ પ્રાર્થનાને પણ ભગવાન સુધી આપણી વાત પહોંચાડવાની અરજી જ છે એમ સમજો. પાછા નીચે જેમ અલગ અલગ‌ ખાતા છે તે જ પ્રમાણે ઉપર પણ અલગ અલગ ખાતા છે. વરસાદ જોઈતો હોય તો વરુણ દેવને પ્રાર્થના રૂપી અરજી કરવી પડે. પૈસાની જરૂર હોય તો લક્ષ્મીજી. ના.. પહેલા કુબેરજીને ત્યાંથી જો અરજી ખારીજ કરવામાં આવે તો પછી તમે બીજી સીધી ખાતા ના મુખ્ય અધિકારીશ્રીને મોકલી શકો છો. આપણી અરજી આવી જ હોય છે સંપૂર્ણ સ્વાર્થીપણાથી ભરપૂર. વાસ્તવિકતા તો એ છે કે આપણી પ્રાર્થના દેહશુદ્ધિ માટે થવી જોઈએ. ભવો ભવથી ભોગવતા કર્મો માંથી મુક્તિ માટે થવી જોઈએ. આપણે એ વાત ન જ ભૂલવી જોઈએ કે આપણે ભગવાનના અંશજ છીએ. એ આપણું  ક્યારે પણ અહિત ન જ ઈચ્છે. અને જે બાબતમાં, પ્રાર્થનામાં આપણું કલ્યાણ તથા હિત હોય તેને એ સ્વાભાવિક સ્વીકારે છે. પ્રાર્થનાનો પણ પોતાનો એક ભાવ, એક ઓરા, અને ઇફેક્ટ હોય છે. આપણે જેવું માગીએ એવું મળે તો ખરું. પણ સારું કે ખરાબ જે કંઈ માંગીએ એવી જ ઇફેક્ટ આપણી આસપાસ ઉભી થાય છે.  એના સ્પંદનો મનની ઇચ્છાઓને વાતાવરણમાં ભેળવી દૂર સુધી લઇ જાય છે. દરેક વિચારની પણ પોતાની અસર હોય જ છે. એમાં કોઈ બે મત નથી‌. માટે આપણા આધ્યાત્મિક વિકાસ માટે, આંતરિક ઉન્નતી માટે, પવિત્રતા જાળવવા માટે, કર્મ બંધન માંથી છુટવા માટે, સુખદુઃખમા સહજ ભાવ જળવાઇ, ઘરની શાંતિ માટે, નિજાનંદ મેળવવા માટે, અને સૌથી મોટી પ્રાર્થના ઈશ્વરની પ્રાપ્તિ એના દર્શનની ઝંખના માટે અને એ ઉપરાંત બીજુ મહત્વનું જન કલ્યાણ તથા વિશ્વ શાંતિ માટેની આપણી પ્રાર્થના હોવી જોઈએ. આજ પ્રાર્થનાની સાચી ઓળખ છે. આ બાબતો મેળવવા માટે જે કરવામાં આવે તેનું નામ એ જ પ્રાર્થના. આપની પણ પ્રાર્થનાનો લક્ષ્ય હવે બદલાશે અને યોગ્ય ભાવથી આપના દ્વારા પ્રાર્થના થાય એવી પ્રાર્થના.

error: Content is protected !!