Jasdan-Rajkot જસદણમાં આટકોટ રોડ પરથી 5 વર્ષનો બાળક ધોળા દિવસે ગુમ થઈ ગયો, ત્રણ કલાક બાદ પોલીસે શોધી કાઢી પરિવારને સોંપ્યો.
- પિતા દવા લેવા ગયા ને બાળક બાઈકમાંથી ઉતરી જઈ ચાલતો થઈ ગયો હતો.
- પોલીસે ત્રણ કલાકની શોધખોળ કર્યા બાદ બાળક બાખલવડ રોડ પર આવેલ બગીચા પાસેથી મળી આવતા હાશકારો અનુભવ્યો હતો.
જસદણમાં આટકોટ રોડ પરથી 5 વર્ષનો બાળક ધોળા દિવસે ગુમ થઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે ત્રણ કલાક બાદ પોલીસે બાળકને શોધી કાઢી પરિવારને સોંપ્યો હતો. મળતી વિગતો મુજબ, વિંછીયા તાલુકાના ગુંદાળા(જસ) ગામે રહેતા ઘુઘાભાઈ મકવાણા તેના 5 વર્ષના પુત્ર શ્રવણને લઈને બાઈક લઈ જસદણમાં આટકોટ રોડ પર આવેલ એક ખાનગી હોસ્પીટલે સવારના 11 વાગ્યા આસપાસ દવા લેવા માટે આવ્યા હતા. ત્યારે હોસ્પિટલની નીચે બાઈક ઉભું રાખી તેના પુત્રને બાઈકમાં બેસાડી મોબાઈલ આપી પોતે દવા લેવા માટે ગયા હતા. બાદમાં તેઓ દવા લઈને પરત બાઈકે આવતા તેનો પુત્ર બાઈક પર નહી જોવા મળતા તેની શોધખોળ કરવા દોડધામ કરવા લાગ્યા હતા. છતાં તેનો પુત્ર નહી મળતા કોઈ તેના પુત્રને ઉપાડી ગયા છે તેવી શંકા સાથે જસદણ પોલીસને જાણ કરતા ઈન્ચાર્જ પીઆઈ આર.પી.કોડીયાતર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે જ્યારે આ ઘટના બની હતી ત્યારે તે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ હોવાથી બાળકના કોઈ સગડ મળ્યા ન હતા અને બાળક પાસે રહેલો મોબાઈલ પણ બંધ આવતો હતો. જેથી જસદણ પોલીસે શહેરભરમાં બાળકની શોધખોળ હાથ ધરી હતી અને ત્રણ કલાક બાદ ગુમ થયેલ બાળક બાખલવડ રોડ પર આવેલ બગીચા પાસેથી હેમખેમ મળી આવતા પોલીસે અને બાળકના પિતાએ હાશકારો અનુભવ્યો હતો. બાદમાં જસદણ પોલીસે ગુમ થયેલ બાળકને તેના પરિવારજનોને સોંપતા જાગૃત લોકોએ જસદણ પોલીસ તંત્રની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.