Jasdan-Rajkot જસદણના વિરનગરમાં કહેવાતા ભુવાએ સળગાવેલી પરિણીતાનું સારવાર દરમિયાન મોત.
જસદણ તાલુકાના વિરનગરમાં ભરતભાઈ રૂપારેલીયાની વાડીમાં પતિ અને સંતાન સાથે રહી મજૂરી કરતી મૂળ મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના કોતરા ગામની પરીણિતા ઉર્મિલા પંકજભાઈ ચંદાણા (ઉ.વ.23) ને બુધવારે રાત્રે 9-30 વાગ્યા આસપાસ વાડીએ હતી. ત્યારે તેના કુટુંબના અને અહી જ મજૂરી કરતાં તેમજ પોતાને દશામાનો ભુવો ગણાવતાં નિલેષ કાળુભાઈ કટારાએ “હું દશામાનો ભુવો છું, તું મારા મંત્રો લઈ ગઈ છો, પાછા આપી દે” તેમ કહી બીજા બે શખ્સોની મદદથી તેણીને મોઢા પર મુક્કા મારી તેમજ શરીરે મારકુટ કર્યા બાદ નિલેષે મકાઈનો પુળો સળગાવી સળગતા પુળાને પાટુ મારી ઉર્મિલા પર ફેંકતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. બાદમાં તેણીને તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતાં આ બનાવ હત્યામાં ફેરવાયો છે. આ મામલે પોલીસે નિલેષ, મૃતકના નણદોયા, નણદોયાના માસા સહિતના સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં ઉર્મિલાને રાજકોટ દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રણછોડભાઈ સાબડે જાણ કરતાં આટકોટ પીએસઆઈ કે.પી.મેતા સહિતના સ્ટાફે રાજકોટ આવી ઉર્મિલાના પતિ પંકજ ભાણાભાઈ ચંદાણા (ઉ.વ.24) ની ફરિયાદ પરથી તેના બનેવી મુકેશ નાથુભાઈ કટારા, બનેવીના માસા સતિષભાઈ અને બનેવીના ભત્રીજા નિલેષ કાળુભાઈ કટારા સામે આઈપીસી 308, 323, 508, 114 મુજબ ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં સારવારમાં ઉર્મિલાએ દમ તોડતાં કલમ 302 નો ઉમેરો કરાયો હતો.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.