Vinchhiya-Rajkot વ્યાજંકવાદ: વીંછીયાના કંધેવાળીયા ગામના યુવાને રૂ.50 હજાર 30 ટકા વ્યાજે લીધા અને રૂ.1.20 લાખ ચૂકવી પણ આપ્યા, છતાં વ્યાજખોરે વધુ રૂ.6.50 લાખની પઠાણી ઉઘરાણી કરાતા યુવાનને પરિવાર સાથે ગામ છોડવું પડ્યું.
- યુવાન વ્યાજખોરના ત્રાસથી કંટાળી તેના પરિવાર સાથે સુરત અને મોરબી ગયો પણ વ્યાજખોરે તેનો પીછો ન છોડ્યો.
- વ્યાજખોરની ધમકીઓથી ડઘાયેલા પરિવારે વિંછીયા પોલીસના અનેકવાર દરવાજા ખખડાવ્યા છતાં ફરિયાદ ન લેવાતા યુવાનને રાજકોટ સુપ્રીટેન્ડેન્ટ પોલીસને લેખિતમાં ફરિયાદ કરવી પડી.
વિંછીયા પંથકમાં વ્યાજખોરોને જાણે કે પોલીસ તંત્રની કોઈ બીક જ ન હોય તેમ મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિઓને મામુલી રકમ તગડા વ્યાજે આપી મનફાવે તેવી રકમ વસુલતા હોવાથી લાચાર બનેલો વ્યક્તિ પોતાના પરિવારની ચિંતાને લીધે મોતને વ્હાલું કરી રહ્યા છે. હજુ વિંછીયાના ઓરી ગામના ખેડૂતે વ્યાજખોર પાસેથી રૂ.5 લાખ વ્યાજે લીધા બાદ રૂ.45 લાખ ચૂકવી આપ્યા હતા છતાં વ્યાજખોરે વધુ રૂ.25 લાખની પઠાણી ઉઘરાણી કરતા પોતાના જજ ખેતરમાં ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો જે ઘટના હજુ લોકોને ભુલાઈ નથી. ત્યાં વિંછીયાના મોટા હડમતીયા ગામના એક વ્યાજખોરે કંધેવાળીયા ગામના યુવાનને રૂ.50 હજાર 30 ટકા વ્યાજે આપ્યા બાદ રૂ.1.20 લાખ વસુલી પણ લીધા. છતાં વ્યાજખોરે વધુ રૂ.6.50 લાખની ઉઘરાણી કરતા યુવાનને નાછૂટકે પોતાના બાલબચ્ચા સાથે ગામ છોડવાનો વારો આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં ભોગબનનાર કંધેવાળીયા ગામનો યુવાન પોતાના પરિવાર સાથે ગામ છોડી ચાલ્યો ગયો પણ વ્યાજખોરે તેનો પીછો ન છોડતા અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા ભારે મુંજવણમાં મુકાઈ ગયો હતો. આ બનાવ અંગે ભોગબનનાર યુવાને વિંછીયા પોલીસ મથકમાં ગત તા.30-10-2020 ના રોજ લેખિતમાં વ્યાજખોર સામે ફરિયાદ પણ નોંધાવી હતી. છતાં આજદિન સુધીમાં વિંછીયા પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોર સામે ફરિયાદ નોંધવાની કે કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં નહી આવતા ડઘાયેલા યુવાનને નાછૂટકે રાજકોટ સુપ્રીટેન્ડેન્ટ પોલીસને લેખિત ફરિયાદમાં કરવાની ફરજ પડી હતી. ત્યારે સવાલ એ થાય છે કે વિંછીયા પોલીસે આજદિન સુધી ક્યાં કારણોસર ભોગબનનાર યુવાનની ફરિયાદ ન લીધી અને શા માટે વ્યાજખોર સામે ફરિયાદ નોંધવા કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરી તે પણ એક સવાલ બની ગયો છે.
યુવાને ગત તા.30-10-2020 નાં રોજ વ્યાજખોર સામે વિંછીયા પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી, છતાં આજદિન સુધી ફરિયાદ ન નોંધી.
વિંછીયાના કંધેવાળીયા ગામના નીલેશભાઈ વાલજીભાઈ જાંબુકીયા(ઉ.વ.26) એ ગત તા.30-10-2020 ના રોજ વિંછીયા પોલીસને મોટા હડમતીયા ગામના વ્યાજખોર હરસુખ કેશાભાઈ બેરાણી સામે લેખિતમાં ફરિયાદ આપી હતી. છતાં આજદિન સુધી વિંછીયા પોલીસ દ્વારા વ્યાજખોર સામે ફરિયાદ નોંધવાની કે કોઈપણ કાયદાકીય કાર્યવાહી કરવામાં નહી આવતા આખરે યુવાને ન્યાય મેળવવા માટે રાજકોટ સુપ્રીટેન્ડેન્ટ પોલીસને લેખિતમાં ફરિયાદ કરતા વિંછીયા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
યુવાને વ્યાજખોરના ત્રાસથી ગામ છોડી સુરત અને મોરબી પરિવાર સાથે ચાલ્યો ગયો પણ વ્યાજખોરે તેનો પીછો ન છોડ્યો.
વિંછીયા તાલુકાના કંધેવાળીયા ગામના નીલેશભાઈ વાલજીભાઈ જાંબુકીયા(ઉ.વ.26) એ રાજકોટ સુપ્રીટેન્ડેન્ટ પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, મારે સંતાનમાં બે પુત્રો છે અને હિરાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. હું વિંછીયા ગામે ગોરધનભાઈ વિહાભાઈ બારૈયાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતો હતો ત્યારે વિંછીયાના મોટા હડમતીયા ગામે રહેતો આરોપી હરસુખ કેશાભાઈ બેરાણી(ઉ.વ.27) ત્યાં હીરા ઘસવા આવતો જેથી હું તેને ઓળખતો હતો. પણ આજથી એક વર્ષ પહેલા મારે ઘર વ્યવહાર સાચવવા માટે આરોપી હરસુખ કેશાભાઈ બેરાણી પાસેથી રૂ.50 હજાર લીધા હતા અને આરોપીએ મને કહેલ કે આ પૈસાનું તારે મને વ્યાજ આપવું પડશે. ત્યારબાદ આરોપીને મેં હપ્તે-હપ્તે રૂ.1.20 લાખ આપી પણ દીધા હતા અને મહિનાનું 30 ટકા વ્યાજ લેખે માસિક વ્યાજ ગણીને વસુલ કરી દીધા હતા. ત્યારબાદ આરોપીએ મારી પાસે રૂ.6.50 લાખ બાકી છે તે આપી દે તેમ જણાવતા મારી પાસે પૈસાની સગવડ ન થઈ જેથી આરોપીના માનસિક ત્રાસથી હું અને મારી પત્ની અને બે બાળકોને લઈને સુરત રહેવા જતો રહ્યો હતો. હું મારા પરિવાર સાથે દોઢ માસ સુરત રોકાયો હતો. અમારી જાણ તેને થતા આરોપી પણ ત્યાં આવ્યો હતો અને મને બળજબરી કરી ધમકાવીને મારું અપહરણ કરી લઈ ગયો હતો. બાદમાં રસ્તામાં પાળીયાદ ગામે હું બસમાંથી કુદકો મારી બોટાદ જતો રહ્યો હતો. ત્યારબાદ હું કંધેવાળીયા ગામે રહેતો હતો. પરંતુ તે આરોપી અમારા ઘરે આવીને ધમકી આપી કે રૂ.6.50 લાખ આપી દેજે નહિતર તને મારી નાંખીશું અને તારી ઘરવાળીને લઈ જશું. જેથી હું બીકના કારણે મોરબી રહેવા જતો રહ્યો હતો અને ત્યાં ચાર મહિના રહ્યો હતો. છતાં આરોપીએ મને અને મારા પરિવારને અનેક વખત ફોનમાં અને રૂબરૂમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ. આરોપી પાસે વ્યાજવટાનું લાયસન્સ ન હોવા છતાં મારી પાસેથી માસિક 30 ટકા લેખે વ્યાજ વસુલ કરેલ છે અને હજુ પણ રૂ.6.50 લાખની પઠાણી ઉઘરાણી કરે છે. આરોપી મને અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે જેના કારણે મને ખુબ જ બીક લાગે છે. જેથી અમો નિર્દોષ પરિવારને ન્યાય અપાવી વ્યાજખોર આરોપી સામે ધોરણસરના પગલા ભરવા અંતમાં માંગ કરી હતી.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.