Jasdan-Rajkot જસદણમાં શરમાળીયા મંદિર પાસે રોડ પર ભરાતા ગંદા પાણીનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો.
જસદણ નગરપાલિકા દ્વારા એકબાજુ શહેરભરમાં વિકાસ કાર્યોના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પરંતુ જસદણમાં સ્ટેશન રોડ પર આવેલ શરમાળીયા મંદિર નજીક વર્ષોથી પાણી ભરાવાનો પ્રશ્ન યથાવત હતો. જેના કારણે જાહેર રોડ પર ગંદકી ખડકાયેલી રહેતી હતી. છતાં જસદણ નગરપાલિકા દ્વારા આ પ્રશ્નને હલ કરવાની કામગીરી કરવામાં આવતી ન હતી. જેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જસદણનું શરમાળીયા મંદિર અતિ પૌરાણિક છે અને અહી દરરોજ ભાવિકો દર્શનાર્થે પણ આવે છે. આ ગંદકીને લીધે ભાવિકોને પણ મંદિરે આવવા-જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે આ સમસ્યા અંગે જસદણ નગરપાલિકાના અધિકારીઓને પણ જાણ હતી. છતાં આજદિન સુધીમાં આ પ્રશ્ન હલ કરવાની જરાપણ તસ્દી લેવામાં આવતી ન હતી. જેથી જસદણ નગરપાલિકાના કર્મનિષ્ઠ પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા દ્વારા વહેલી તકે આ વર્ષો જુના પ્રશ્નને હલ કરવાની કામગીરી કરવામાં આવે તેવી મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકોની અને રાહદારીઓની માંગણી ઉઠવા પામી હતી. આ અહેવાલ પ્રકાશિત કરાતાની સાથે જ જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા દ્વારા સ્થળ તપાસ કરી રોડ પર પાણી ભરાવાની સમસ્યા હલ કરવામાં આવતા ભાવિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.