Jasdal-Rajkot જસદણ નજીક ડુંગરપુર વીડીમાં ભીષણ આગ લાગી, 500 વીઘામાં ઉભેલું ઘાસ બળીને ખાક થઈ ગયું.
જસદણ ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
જસદણના રાજવી સત્યજીતકુમાર ખાચરની જસદણ નજીક ડુંગરપુર વીડી આવેલી છે. જે વીડીમાં આજે રવિવારે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતા અંદાજે 500 વીઘામાં ઉભેલું ઘાસ બળીને ખાક થઈ ગયું હતું. આ બનાવની જાણ વીડીના કર્મચારી જોરૂભાઈને થતા તાત્કાલિક જસદણ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. જેથી જસદણ ફાયર બ્રિગેડના જવાનો મજીદભાઈ ગાંધી અને રાજુભાઈ વાળા સહિતની ટીમ તાત્કાલિક વીડી ખાતે દોડી ગઈ હતી. બાદમાં આગને કાબુમાં લેવા માટે કલાકો સુધી પાણીનો મારો ચલાવતા અંતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ આગને કારણે વીડીના માલિક જસદણના રાજવીને લાખોનું નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના અંગે વીડીના કર્મચારી જોરૂભાઈએ જણાવ્યું હતું કે, આ વીડીમાંથી પસાર થતા વીજપોલમાં શોર્ટસર્કીટ થતા આગ લાગી હતી અને અંદાજે 500 વીઘા જમીનમાં ઉભેલું ઘાસ બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.
