Jasdan-Rajkot જસદણ-આટકોટ ફોરલેન રોડનું કામ ગોકળગતિએ ચાલતું હોવાથી સતત ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે ચાલકો પરેશાન:જસદણથી આટકોટ સુધીનો 7 કી.મી. નો રસ્તો કાપવામાં વાહનચાલકોને અડધો કલાક જેટલો સમય લાગે છે.
જસદણ-આટકોટ વચ્ચેનો રોડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા હતા. જેથી રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ-આટકોટ રોડને ફોરલેન બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે મહિનાઓ પહેલા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી ગોકળગતિએ કરવામાં આવતી હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હાલ જસદણ-આટકોટ રોડ પર દરરોજ હજારો વાહનો પસાર થઈ રહ્યા છે. પરંતુ આ રોડમાં મસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી સતત ધૂળની ડમરીઓ ઉડી રહી છે.
હાલ જસદણથી આટકોટ સુધીનો 7 કી.મી. નો રસ્તો કાપવામાં વાહનચાલકોને અડધો કલાક જેટલો સમય લાગી જાય છે અને આંખે ફરજીયાત ચશ્માં પહેરી પસાર થવું પડી રહ્યું છે. જેથી રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે અને આ કામના કોન્ટ્રાક્ટરને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવાની સુચના આપવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.