Jasdan-Rjakot જસદણના શિવનગરમાં ગરીબ પરિવારનું ઘર પાડી પાલિકાએ પરિવારજનોને ઘર વગરના કર્યા.

Loading

  • ગત તા.17-7 ના રોજ એકજ આખરી નોટીસ આપી અને આજે જેસીબી લઈને ઓચિંતા દોડી ગયા.
  • નગરપાલિકા ચીફ ઓફિસર સહિતનાઓએ રોડમાં નડતરરૂપ મકાન પર જેસીબી ફેરવી દેતા પરિવારજનોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.

જસદણ નગરપાલિકાની બેદરકારીના લીધે શહેરના ગોખલાણા રોડ, ખાનપર રોડ, વિંછીયા રોડ, આદમજી રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં રોડને નડતરરૂપ વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો ઉભા છે. છતાં જસદણ નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા તેને હટાવવાની કે નોટીસ ફટકારવાની કામગીરી પણ કરવામાં આવતી નથી. જેના કારણે દબાણકારોને મોકળું મેદાન મળી રહ્યું છે. ત્યારે જસદણના વિંછીયા રોડ પર આવેલ શિવનગર સોસાયટીમાં એક ગરીબ પરિવારનું મકાન જસદણ નગરપાલિકા તંત્રને નજરે ચડી જતા તે મકાન રોડમાં નડતરરૂપ હોવાનું અને ગેરકાયદેસર બાંધકામ ઉભું કરી પેશકદમી કરી હોવાનું જણાવી ગત તા.17-07-2020 ના રોજ મકાન માલિક પોપટભાઈ કરમશીભાઈ ગોહિલના નામે દબાણ હટાવવા બાબતે આખરી નોટીસ ફટકારી હતી. આ અંગે ગરીબ પરિવારજનો દ્વારા નગરપાલિકાના જવાબદારોને અનેકવાર સમજાવવાનો પ્રયાસ કરાયો હતો છતાં એકના બે ન થયા અને આજે જેસીબી અને પોલીસને સાથે રાખી મકાન તોડી પડાતા ગરીબ પરિવારજનોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.

આ સોસાયટીમાં ઘણા બધા બિનકાયદેસર મકાનો ઉભા છે તો તે કેમ પાડતા નથી: ગૌરીબેન ભોળાભાઈ ઝાપડીયા-રહીશ.

આ મકાન મારા ફઈજીનું હતું અને પાલિકાએ બિનકાયદેસર આ મકાન પાડ્યું છે. આ મકાનની બાજુમાં જૂનો રસ્તો હતો તો નવો રસ્તો બનાવવાની અત્યારે શું જરૂર પડી. આ મકાન 30 વર્ષથી હતું અને અત્યારે જ આ એકજ મકાન પાલિકાને કેમ ધ્યાને આવ્યું. આ સાવ ગરીબ માણસ છે અને ટકનો રોટલો ખાય છે. આ સોસાયટીમાં ઘણા બધા બિનકાયદેસર મકાનો ઉભા છે તો તે કેમ પાડતા નથી અને આ એકજ મકાન પાલિકાને કેમ દેખાણું. જેથી દસ્તાવેજ સિવાયના તમામ મકાનો પાલિકા દ્વારા પાડવામાં આવે તેવી અમારી માંગણી છે.

મેં મજુરી કરીને મકાનના નળિયા નાખ્યા હતા અને આજે બધું મારી નજર સામે પાડી નાખ્યું: ઓધાભાઈ પોપટભાઈ ગોહિલ- ભોગ બનનાર પરિવાર.

પહેલા પાલિકા દ્વારા મને એકજવાર નોટીસ આપવામાં આવી હતી. પહેલા અમારા મકાન સામે વર્ષોથી પુલ હતો અને હમણાં નવો પુલ બનાવ્યો એટલે જૂનો પુલ તોડી નાખ્યો છે. અમારું મકાન રસ્તાની ગોળાઈમાં ક્યાંય નડતરરૂપ ન હતું છતાં મારું મકાન તોડી નાખ્યું. મારી બાજુમાં 30 કરતા વધુ ગેરકાયદેસર મકાનો ઉભા છે છતાં મારું એકનું જ મકાન કેમ પાલિકાવાળાને ધ્યાને આવ્યું તે સમજાતું નથી. મારે સરકારને એટલું જ કહેવું છે કે કેમ અમારા ગરીબ પરિવારનું જ મકાન તેમને ધ્યાનમાં આવ્યું. જેથી અમને સરકાર દ્વારા રહેવા માટે તાત્કાલિક ઘરની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી અમારી ગરીબ પરિવારની માંગણી છે નહિતર અમે ક્યાં જશું.

ચીફ ઓફિસરે આ ડીમોલેશન અંગે જવાબ દેવાનું પણ ટાળ્યું.

આ ડીમોલેશન અંગે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીને ટેલીફોનીક પૂછતાં તેમણે કહ્યું કે કાલે તમે ઓફિસે આવજો અને ઓફીસે બ્રાંચમાંથી તમામ માહિતી મેળવી લેજો કહી સંપર્ક તોડી દીધો હતો.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!