Halvad-Morbi દારૂના ગુનામાં નામ નહીં ખોલવા માટે હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વતી રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા વચેટિયો ઝડપાયો. બંને વિરુદ્ધ ગુનો દાખલ. જામનગર એસીબીની સફળ ટ્રેપ.
ભ્રષ્ટાચાર એ લોકશાહી નું કેન્સર છે. તેવું સ્લોગન છે. છતાં સતા નો દુરુપયોગ કરીને બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેમાં એસીબી તંત્ર જો…. તો.. વચ્ચે ની વિગત ની ચકાસણી કરે તો ઘણા ભ્રષ્ટાચારીઓ ના તપેલા ચડી જાય તેમ છે. જ્યારે લાંચની માગણી કરે અને નીડર નાગરિક લાંચ ની ફરિયાદ કરે તો એસીબી તંત્ર છટકું ગોઠવીને લાંચીયા ને ઝડપી લે છે. અને આવી એક ઘટના જામનગરમાં બની છે. જ્યાં વચેટિયો લાંચ લેતા પકડાયો છે. મોરબી જિલ્લાના હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતાં પકડાયો છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ હળવદ પોલીસ મથકમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણ જસમતભાઈ ચંદ્રાલા એ જામનગરના એક શખ્સને દારૂના કેસમાં નામ નહી ખોલવા માટે રૂપિયા સીતેર હજારની લાંચ માગી હતી. અને રકઝક ના અંતે રૂપિયા ચાલીસ હજાર દેવાનું નક્કી થયું હતું .

પરંતુ આ નાગરિક લાંચ આપવા ઇચ્છતો ન હોય તેણે જામનગર એસીબીમાં ફરિયાદ કરી હતી. જામનગર એસીબી ટીમે આ ફરિયાદ લઈને જામનગરમાં આઇ.ટી.આઇ. પાસે ચાની કેબીનના નજીક છટકું ગોઠવ્યું હતું. જયા હેડ કોન્સ્ટેબલ પ્રવીણ ચંદ્રાલા વતી વચેટીયો ભરત ઉર્ફે ચોટલી હર્ષદભાઈ ચૌહાણ આ રૂપિયા ૪૦ હજારની લાંચ લેવા પહોંચ્યો હતો. અને લાંચ લેતા જ એસીબી તંત્રે પકડી પાડ્યો હતો. અને એ સી.બી.એ આ બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધના આ અભિયાનમાં ભાગ લેનારા જાગૃત નાગરિકને પર્યાવરણ બચાવો ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ મોરબી અભિનંદન પાઠવે છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.
