Jasdan-Rajkot જસદણના લીલાપુર ગામે 60 ફૂટ ઊંડા કુવામાંથી આધેડની લાશ મળી આવતા ફાયર બ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી જસદણ પી.એમ. અર્થે ખસેડી હતી.
જસદણ તાલુકાના લીલાપુર ગામે રહેતા અને વાડી ધરાવતા આધેડની પોતાની વાડીના કુવામાંથી જ લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા જસદણ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આધેડની લાશને કુવામાંથી બહાર કાઢી જસદણની સરકારી હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડી જસદણ પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના લીલાપુર ગામે રહેતા રામજીભાઈ નાગજીભાઈ કાકડીયા(ઉ.વ.65) નામના આધેડ ગત શુક્રવારે રાત્રીના પોતાની વાડીએ સુવા ગયા હતા.
પરંતુ બીજા દિવસે શનિવારે સવારે તે વાડીએ જોવા નહી મળતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે શનિવારે બપોરે દોઢ વાગ્યે લીલાપુર ગામના રમણીકભાઈ છગનભાઈ કાકડીયાને વાડીના કુવા પાસે રામજીભાઈના ચપ્પલ મળી આવતા શંકાના આધારે તેમણે જસદણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવા માટે જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા અને પૂર્વ પ્રમુખ જીજ્ઞેશભાઈ હિરપરાને જાણ કરી હતી. જેથી તાત્કાલિક જસદણ નગરપાલિકાના ફાયર બ્રિગેડના પ્રતાપભાઈ સોલંકી, મજીદભાઈ, રાજુભાઈ વાળા, અશોકભાઈ ભંડેરી, અશ્વિનભાઈ અને લક્ષ્મણભાઈ સહિતના જવાનો તાત્કાલિક ફાયર લઈને લીલાપુર ગામે પહોંચી ગયા હતા. ત્યાં રામજીભાઈ કાકડીયાની વાડીમાં આવેલ 60 ફુટ ઊંડા કુવામાં તરવૈયાની મદદથી તપાસ કરતા તે કુવામાંથી રામજીભાઈની લાશ મળી આવી હતી. બાદમાં ફાયર બ્રિગેડની ટીમે રામજીભાઈની લાશને બહાર કાઢી પી.એમ. અર્થે જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડી જસદણ પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક જસદણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન મૃતક રામજીભાઈ નાગજીભાઈ કાકડીયા છેલ્લા ઘણા દિવસોથી માનસિક પીડાતા હોવાથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ બનાવની પૂર્ણ તપાસ થયે બનાવનું સાચું કારણ જાણવા મળશે તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.