Jasdan-Rajkot જસદણના વકીલોએ સોગંદનામાં પ્રશ્ને સરકારના જાહેરનામાને રદ કરવા પ્રાંતને આવેદનપત્ર આપ્યું.
જસદણમાં વકીલોએ રાજ્યના મુખ્યમંત્રી સહિતનાઓને પ્રાંત અધિકારી હસ્તક લેખિતમાં એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, જસદણ તાલુકામાં પ્રેકટીસ કરતા તમામ વકીલો તથા પીટીશન રાઈટરો તથા બોન્ડ રાઈટરો આ આવેદનપત્ર આપી આપ સાહેબ સમક્ષ રજુઆત કરવાની કે, અમો જસદણ તાલુકાના તમામ વકીલો તેમજ નોટરી વકીલો રેવન્યુને લગતા કામો જેવા કે તમામ પ્રકારના સોગંદનામ, અરજીઓ, ફરીયાદો, દસ્તાવેજો, સાટાખત, કુલમુખત્યારનામા, ખેતી વિષયક કામો જેવા કે વારસાઈ, હયાતી હકક દાખલ, હકકકમી, વહેંચણી, મામ-કોર્ટ નીચે ચાલતા દાવાઓ, આપ સાહેબની કચેરીમાં ચાલતી અપીલો વિગેરે જેવા તમામ પ્રકારના કામકાજો કરી તાલુકાના અલગ-અલગ જગ્યાએ ઓફીસો ધારણ કરી એડવોકેટ પ્રેકટીસ કરીએ છીએ. આમ અમારા વકીલ મીત્રો માંહેથી અમુક વકીલો એવા પણ છે કે જેઓ માત્ર સોગંદનામાં તેમજ અરજીઓ જેવા કામકાજો કરી તેમાંથી પ્રાપ્ય આવકમાંથી તેમની રોજીરોટી મેળવે છે. સરકારના પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલય , ગાંધીનગરના તા.૦૬-૧૦-ર૦ર૦ ના જાહેરનામા ક્રમાંક KP/23 of 2020/ PSR/10/2020/1882/ Kh Oaths Act – 1969 ની કલમ-3 હેઠળ તલાટીઓને 22 જેટલા વિવિધ પ્રકારના સોગંદનામા કરવાની સત્તા આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ છે. કાયદાની જોગવાઈઓ મુજબ સોગંદ લેવડાવવાનો અધિકાર તલાટીમંત્રીને આપી શકાય નહી. કારણકે સોગંદનામું કોની રૂબરૂ કરી શકાય તેવા અધિકારો અગાઉથી મામલતદાર, નાયબ મામલતદાર, નોટરી વકીલોને આપેલા છે. જે અંગેનો Oaths Act – 1969 છે જેની જોગવાઈઓ મુજબ સોગંદ લેવડાવવાનો અધિકાર જેમને આપવામાં આવેલ છે. તેમાં તલાટીમંત્રીઓનો સમાવેશ થતો નથી. તેથી તેમની રૂબરૂ લેવાયેલ સોગંદથી કરવામાં આવેલ સોગંદનામું કાયદા માન્ય ગણાય નહી
તેમજ નામદાર કોર્ટમાં પણ તલાટી રૂબરૂ સોગંદ લઈ કરવામાં આવેલ સોગંદનામા વેલીડ ગણાય નહી. જેથી કાયદા વિરૂધ્ધના આવા સોગંદનામાંનો કોઈ અર્થ રહે નહી. જેથી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આ જાહેરનામું કાયદા વિરૂધ્ધનું છે. Oaths Act – 1969 કેન્દ્ર સરકારનો કાયદો છે. જેમાં રાજય સરકારને સુધારો કરવાની કોઈ સત્તા નથી. જો સરકાર દ્વારા આવી સત્તા તલાટીઓને આપવાથી સોગંદનામાં જેવા કામ-કાજે ઉપર વધુ નીર્ભર વકીલોની તથા નોટરી કરતા નોટરી વકીલોની તેમના મારફત થતા આવા કામકાજો બંધ થવાને કારણે તેમની કાયમી ધોરણે થતી આવક ઉપર માઠી અસર પડે તેમ હોય તેમજ તેમની સોગંદનામા ઓમાંથી થતી આવક ન મળવાને કારણે તેમની રોજીરોટી છીનવાઈ જાય તેમ હોય. જેનાથી તમામ વકીલક્ષીઓના પ્રોફેશનલ કરીયર સાથે ચેડા થવાના સંભવિત પરીણામ સામે આવેલા હોય. જેથી આ બાબતે સરકારના આવા જાહેરનામાં સામે તમામ વકીલોનો વિરોધ હોય. જે અમો તમામ વકીલો આ આવેદનપત્ર આપી જાહેર કરીએ છીએ. જેથી તાત્કાલીક ધોરણે અમો આ આવેદનપત્ર આપી માંગણી કરીએ છીએ કે સરકાર દ્વારા તલાટી રૂબરૂ સોગંદ લઈ સોગંદનામું કરવાના કરેલ જાહેરનામું રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહી આવે તો અમો ન્યાયની રીતે આગળ વધીશું તેમજ ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરીશું. જેથી અમો તમામ વકીલોને, પીટીશન રાઈટરો તથા બોન્ડ રાઈટરોને પુરતો ન્યાય મળી રહે તેને ધ્યાને લઈ ન્યાયના હિતને અનુલક્ષીએ યોગ્ય પગલા લેશો તેવી અંતમાં માંગણી કરવામાં આવી હતી.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.