Mhuva-Bhavnagar ભવાનીમંદિર મહુવા કૃષ્ણકથા અમરકથા: ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર.
મહુવાથી આશરે 5 કિ.મી.ના અંતરે અરબી સમુદ્રની સપાટીથી 150 ફીટ ઉપર આવેલું ઐતિહાસિક ભવાની માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે વિશેષ સ્થાન ધરાવે છે. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના અતૂટ પ્રેમ સબંધ અને માતાજી પ્રત્યેની અખૂટ શ્રધ્ધાનું સાક્ષી છે. દરિયાના ઘુઘવાટા મોજે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના પ્રસંગને વર્ણવતા હોય તેવો અહેસાસ કરાવે છે.
શ્રધ્ધાળુઓ સાથે પર્યટકો માટે પણ ભવાની માતાજીનું સ્થળ શ્રેષ્ઠ મનાય છે. અહીં અરબી સમુદ્રનો કાંઠો પર્યટકો-શ્રધ્ધાળુઓને અલૌકિક આનંદને અહેસાસ કરાવે છે. સંત, શૂરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડ ની રખેવાળી માટે ચારેય દિશામાં માતાજી હાજરા હજૂર બેઠા છે.
ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમના સાક્ષી રહેલા મહુવાના ભવાની માતાજીના મંદિર સાથે ઐતિહાસિક દંતકથા જોડાયેલી છે.
લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના મંદિરથી થોડે દૂર કતપર ગામ આવેલું છે. તે સમયે કુંદનપુર તરીકે કતપર ગામ ઓળખાતું હતું. કુંદનપુરના રાજા ભીષ્મક હતા. તેમને સંતાનોમાં પાંચ પુત્ર અને એક પુત્રી હતી. જેમાં મોટા પુત્રનું નામ રુકમય અને પુત્રીનું નામ રુકમણી હતું. રુકમણીજીના વિવાહ તેમના ભાઈએ તેના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા.
પરંતુ રુકમણી મનોમન દ્વારિકા નાથ ભગવાન શ્રી કૃષ્ણને
પ્રેમ કરતા હતા. અને પોતાના કૃષ્ણને પામવા માટે મા ભવાનીની નિત્ય પૂજા કરતા હતા. રુકમણી એ ભગવાન શ્રી કૃષ્ણને પત્ર મોકલાવ્યો હતો. જે વિશ્વનો પહેલો પ્રેમ પત્ર ગણાય છે.
તેમાં રુકમણી એ કૃષ્ણ પ્રત્યેના પોતાના પ્રેમની અભિવ્યકતિ કરી હતી. અને વિનંતિ કરી હતી કે…
હે..નાથ ! હું કુંદનપુર ની રાજકુંવરી રુકમણી.
હે કૃષ્ણ હું દિલથી તમને વરી ચૂકી છું. પરંતુ મારા ભાઈ રુકમી એ છેદી ના રાજા શિશુપાલ સાથે મારા વિવાહ મારી મરજી વિરુદ્ધ નક્કી કર્યા છે. મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારના યુદ્ધ કે કલેશ વગર તમે આવી ને મને અહીંથી લઇ જાવ.
આથી ભગવાન કૃષ્ણ એ અર્જુનની સહાયતા થી રુકમણી નું અપહરણ કર્યું હતું. (રુકમણી નું અપહરણ કરવા માટે ભગવાન કૃષ્ણ (ગોપાલ) અને અર્જુન (બ્રિહનલ્લા સ્રી) બન્યા હતા. અને અહી મહુવા ભવાની ના મંદિરે લગ્ન કર્યા હતા.
આમ ભવાની માતાજીનું મંદિર શ્રી કૃષ્ણ અને રુકમણીજીના પ્રેમનું પ્રતિક ગણાય છે અને આ પ્રસંગના પૂરાવા રૂપે અવશેષો મંદિર પરિસરમાં આજે પણ મૌજૂદ છે. આ દંતકથાને કારણે આજે પણ અપરિણીત કન્યાઓ તેમના મનગમતા ભાવિ ભરથાર માટે ભવાની માતાજી સમક્ષ મનોકામના કરી પૂજન-અર્ચન કરે છે.