સોમનાથ જિલ્લામાં વધુ 3ાાથી 7 ઈંચ વરસાદ: હિરણ, કપીલા, સરસ્વતી, દેવકા, શીંગોડા, સહિતની નદીઓમાં પુર.
ગીર સોમનાથ જીલ્લામાં આજે સવારે છ થી સાંજે છ દરમ્યાન વેરાવળમાં 67 મી.મી. (અઢી ઇંચ), સુત્રાપાડામાં 17પ મી.મી. (સાત ઇંચ), તાલાલામાં 74 મી.મી. (ત્રણ ઇંચ), કોડીનારમાં 79 મી.મી. (સવા ત્રણ ઇંચ), ગીરગઢડામાં 81 મી.મી. (સવા ત્રણ ઇંચ), ઉનામાં 91 મી.મી. (સાડા ત્રણ ઇંચ) જેટલો વરસાદ નોંઘાયેલ છે.
આજે જીલ્લામાં અને ગીર જંગલ વિસ્તારમાં પડેલ ભારે વરસાદના પગલે હિરણ, કપીલા, સરસ્વતી, દેવકા, શીંગોડા, મચુન્દ્રી સહિતની અનેક નદીઓમાં ઘોડાપુર આવેલ હતા જેના પગલે વેરાવળ-કોડીનાર, વેરાવળ-તાલાલા સહિતના અનેક સ્ટેટ અને નેશનલ હાઇવે, ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જોડતા અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા અને વાહન વ્યવહાર પ્રભાવિત થતા વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મંકાયા હતા.
પ્રખ્યાત પ્રાંચી તીર્થ ખાતેનું માધવરાયજી મંદિર ફરી વખત સરસ્વતી નદીમાં આવેલ ઘોડાપુરના પાણીમાં ગરકાવ થઇ ગયેલ હતું. સોમનાથ સાંનિઘ્યે ગીતામંદિર ગોલોકઘામથી ત્રીવેણી સંગમ સુઘી હિરણ નદીમાં આવેલ ઘોડાપુરની પાણી ફરી વળતા રસ્તા પર ગોઠણડુબ અને ઘાટ પર કમ્મર સુઘી પાણી ભરાયેલ ગયેલ હતા અને નજીકમાં આવેલ સ્મશાન ઘાટમાં ગોઠણડુબ પાણી ભરાયુ હતું.
આજે જીલ્લામાં સુત્રાપાડા -સાત, તાલાલા – ત્રણ અને વેરાવળ – અઢી ઇંચ જેટલા પડેલ ભારે વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઇ ગયેલ અને ખાસ કરીને ત્રણેય પંથકના વડોદરા ઝાલા, વાવડી, લોઢવા, છગીયા, પ્રશ્નાવડા, સુત્રાપાડા, ઉંબા, ઇણાંજ, આંબલીયાળા, દેદા, મરૂઢા, પંડવા, માથાસુરીયા, કોડીદ્રા, લુંભા, ભેટાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાય જતા ખેડુતો ચિંતાતુર બન્યા હતા. આજના ભારે વરસાદના પગલે ખેતરોમાં વાવણી કરાયેલ મગફળીપં, કપાસ, સોયાબીન, શાકભાજી સહિતના પાકો નિષ્ફળ જશે તેવી ભિતી દર્શાવી મેઘરાજાને ખમૈયા કરી રહયા હતા.
આ ભારે વરસાદના કારણે દેવકા, કપીલા, સરસ્વતી નદીઓમાં ઘોડાપુર આવવાના પગલે વેરાવળના ડાભોર, સોનારીયા, સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામોમાં વરસાદી પાણી ફરી વળેલ હતા. આ ગામોની શેરીઓમાં નદીઓ વ્હેતી થયેલ અને નીચાણવાળા વિસ્તારોના સેકડો મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. જેના પગલે ગત રાત્રીથી આજે દિવસભર ગ્રામ્યજનોએ ભયના ઓથાર તળે સમય પસાર કર્યો હતો. જીલ્લામાં આ ત્રણેય ગામો ઉપરાંત અનેક ગામો ભારે વરસાદના લીઘે બેટમાં ફેરવાય ગયાની સ્થિતિ સર્જાય હતી.
ખાસ કરીને ગીર જંગલ અને જીલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે જીલ્લાના પાંચેય ડેમોમાં પાણીની ભરપૂર આવક થતા તમામ ડેમો ઓવરફલો થયા હતા. જેમાં જંગલ વિસ્તારમાં આવેલ હિરણ 1 (કમલેશ્વર) ડેમ અઢી ફૂટ ઓવરફલો થયેલ છે જયારે હિરણ ડેમ ર (ઉમરેઠી) ના સાત દરવાજા પૈકી પાંચ દરવાજા આઠ ફૂટ અને બે દરવાજા ચાર ફૂટ ખોલેલ હતા. શિંગોડા ડેમના પાંચ દરવાજા ચાર ફૂટ ખોલેલ હતા. છેલ્લાં એક માસમાં ભારે વરસાદના કારણે હિરણ ર ડેમના તમામ દરવાજા પાંચમી વખત ખોલવા પડ્યા હતા.
ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ-સોમનાથ શહેરમાં પ્રવેશવાના બંન્ને તરફથી પસાર થતી દેવકા અને હિરણ નદીઓમાં ગત રાત્રીના આવેલ ઘોડાપુરના પગલે પ0 થી વઘુ સોસાયટીમાં ગોઠણડુબ પાણી ભરાતા અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. શહેરની ડાભોર રોડ પરની ગીતાનગર 1, આવાસ યોજના, શિક્ષક કોલોની, બિહારીનગર, શકિતનગર, રઘુનંદન, જીવનજયોત, હરસિઘ્ઘી સોસાયટી જયારે સોમનાથ ટોકીઝ વિસ્તારની ગોદરશા, અલહરમ, મદીના, બરકતીયા રોડ, મીસ્કીન સહિતની અનેક સોસાયટીના મુખ્યમાર્ગો અને શેરીઓમાં ગત રાત્રીથી બંન્ને નદીઓના ફરી વળેલ પાણીની ભરાવવાની શરૂઆત થયેલ અને મોડી રાત્રી સુઘીમાં તો ગોઠણડુબ પાણી ભરાય ગયા હતા. સોસાયટીઓના અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ તમામ સોસાયટીઓમાં રહેતા લોકોએ આખી રાત ભયના ઓથાર તળે વિતાવી હતી. ડાભોર રોડ પરની સોસાયટીઓમાં આજે બપોર સુઘીમાં પાણી ઓસરી ગયા હતા જયારે સોમનાથ ટોકીઝ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજુ પણ ગોઠણડુબ ભરાયેલ હતા.