અનલોક-4 માટેના દિશા નિર્દેશ જાહેર. આ દિશા નિર્દેશ 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.
અનલોક-4 માટેના દિશા નિર્દેશ જાહેર. આ દિશા નિર્દેશ 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. આ નવી ગાઇડલાઇન્સ પ્રમાણે આગામી 7 સપ્ટેમ્બરથી દેશભરની મેટ્રોસેવા શરુ થશે. રેલવે મંત્રાલય અને ગૃહમંત્રાલયે મળીને આ નિર્ણય કર્યો છે, જે પ્રમાણે સાત સપ્ટેમ્બરથી તબક્કાવાર દેશમાં મેટ્રો શરુ થશે. આ સિવાય અનલોક-4માં સરકારે ઓપન એર થિયેટરને ખોલવાનો નિર્ણય પણ કર્યો છે. જેના માટે 21 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.
સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજનૈતિક કાર્યક્રમો, રમત ગમત અને અન્ય સભાઓમાં પણ 21 સપ્ટેમ્બરથી 100 લોકોને એકઠા થવાની મંજૂરી મળશે. જો કે આવા સમારોહમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝર, થર્મલ સ્ક્રેનિંગને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સિવાય શાળા અને કોલેજોને લઇને પણ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી શાળા, કોલેજ, કોચિંગ ક્લાસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વિચાર વિમર્શ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ઓનલાઇન શિક્ષણ પહેલાની માફક જ શરુ રહેશે. આ સિવાય શાળાના 50 ટકા સ્ટાફને ઓનલાઇન શિક્ષણ માટે બોલાવી શકાશે. કન્ટેનમેન્ટ ઝોન બહાર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ શિક્ષકોનું માર્ગદર્શન મેળવવા માટે સ્વેચ્છાએ જઇ શકશે. જો કે તેના માટે વાલીઓની લિખિત મંજૂરી ફરજિયાત છે.આ સિવાય હજુ પણ દેશમાં સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, થિએટર સંપૂર્ણ બંધ રહેશે. આંતરરાષ્ટ્રીય યાત્રા પર પણ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. કોઇ પણ રાજ્ય કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા વગર હવે કન્ટેનમેન્ટ ઝોન બહાર લોકડાઉન નહીં લગાવી શકે.