ભૂમાફિયાઓનાં ત્રાસથી રૂપાણી સરકારે લીધો આ મોટો નિર્ણય.

ગુજરાતમાં ભૂમાફિયાઓનાં વધતા જતા ત્રાસને લઈને લોકો જમીન છોડી જવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે રાજ્યમાં થોડા સમય પહેલાં જ ભૂમાફિયાઓ દ્રારા ફાયરિંગની કર્યાની ઘટના સામે આવી હતી. તેવામાં હવે ભૂમાફિયાઓ પર અંકુશ મેળવવા માટે રાજ્યમાં વિજય રૂપાણીની સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયા સામે કડક પગલાં લેવા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે. જે અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી.

આજે ભૂમાફિયાઓ પર અંકુશ મેળવવા માટે યોજાયેલી બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ મામલે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જણાવ્યું હતું કે, જમીનની કિંમતો વધતાં ભૂમાફિયાઓનું જોર વધ્યું છે. અને તેમના પર અંકુશ મેળવવા માટે સરકાર આ કાયદો લઈને આવી છે. આ કાયદામાં જમીન હડપનારને 10થી 14 વર્ષની સજાની જોગવાઈ છે. અને કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગ કેસનો ચુકાદો 6 માસમાં આવશે. આ ઉપરાંત iORA પોર્ટલ પર મહેસૂલી સેવાઓની અરજી કરી શકાશે તેવું પણ મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું.

ભૂમાફિયાઓનો હવે 6 મહિનામાં જ ફેંસલો
ગરીબ,ઓછુ ભણેલા ખેડૂતો, મિલકત માલિકોને ડરાવી, ધમકાવી જમીનો પર કબ્જો કરતા વગદારો અને ભૂમાફિયાઓનું હવે આવી બનશે. ગેરકાયદે જમીનો પચાવી પાડનારા સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ લાવવાની જાહેરાત કરી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં નવા કાયદાનો પ્રસ્તાવમાં જમીનો પચાવવાના કિસ્સામાં કેસ દાખલ થયાના છ જ મહિનામાં કોર્ટ દ્વારા ફેંસલો અને ગુનેગારને ૧૪ વર્ષ સુધીની જેલ તેમજ જમીનની જંત્રી જેટલો દંડ વસૂલવા જેવા આકરી સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

લોકોમાં જાગૃતિને અભાવે અનેક જિલ્લાઓમાં મિલકત માલિકોની જમીનો લૂંટાયા બાદ હવે સરકારે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ- ૨૦૨૦ લાવવાની જાહેરાત કરી છે. જેમાં ગેરકાયદેસર કબ્જો લેનાર, આવી જમીન ઉપર બાંધકામ માટે નાણાકિય સહાય કરનાર, તેમજ ભોગવટેદારો પાસેથી ધાક-ધમકીથી ભાડુ, વળતર કે અન્ય વસૂલાત કરનાર અને તેમાં મદદગારી કરનાર એવા તમામને જમીન પચાવી પાડનારની વ્યખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
કેસોની ઝડપી સૂનાવણી થાય તેના માટે સરકાર સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરશે. કેસ દાખલ થયાના છ જ મહિનામા કેસનો નિકાલ આવે તેવી વ્યવસ્થા પણ થશે. કસૂરવારને 10 થી 14 વર્ષની જેલની સજા તેમજ જમીનની જંત્રી જેટલો દંડ થઈ શકે.

કંપની અથવા પેઢીના કેસમાં ભાગીદારોને પણ થશે જેલ

કાયદામાં માત્ર ખાનગી, ધાર્મિક- શૈક્ષણિક- સામાજિક સંગઠનોની માલિકીની જ નહી પણ સરકારી, પાલિકા- પંચાયત સહિત સ્થાનિક સત્તા મંડળોની જમીનોમાં જે કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલુ રાખે તેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા વ્યક્તિને પણ ગુનેગાર ગણવાનું ઠેરવ્યું છે. જમીન ખરીદ- વેચાણની ગેરરિતી આચરવાના કિસ્સામાં જો કોઈ કંપની, વેપારી પેઢી સામેલ હશે તો તેના જવાબદાર વહિવટકર્તા, ભાગીદારોને પણ જેલમાં જવાનો વારો આવશે.

error: Content is protected !!