૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને ઘર અને નોકરી આપશે સોનુ સૂદ.
અભિનેતા સોનુ સુદ આશરે ૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને દિલ્હીના નોઇડા ખાતે ઘર અને નોકરી આપશે એવી જાહેરાત કરી હતી. કોરોના કાળમાં પ્રવાસી મજૂરોને મદદ કરીને સલામતી સાથે તેમના ઘરે પહોંચાડીને સોનુ આખા દેશમાં ચર્ચાનું આકર્ષણ બન્યો છે. ૪૭ વર્ષના અભિનેતાએ મજૂરોને ઘરની સાથે પ્રવાસી રોજગારની ઝુંબેશ હેઠળ કપડાના કારખાનામાં નોકરી આપવાનું પણ જણાવ્યું હતું.
સોનુએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ અંગે પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, હું ૨૦,૦૦૦ જેટલા પ્રવાસી મજૂરોને ઘર આપીને ખૂબ જ ખુશી અનુભવુ છું. તેની સાથે પ્રવાસી રોજગાર ઝુંબેશ અંતર્ગત તેમને ગારમેન્ટ ફેક્ટરીમાં નોકરી પણ આપવામાં આવશે. મેં આ પ્રવાસી મજૂરોને અગાઉ વચન આપ્યું હતું કે ‘હું તેમના માટે આરોગ્યપ્રદ રહેઠાણની વ્યવસ્થા કરી આપીશ. સ્થાનિક પ્રશાસનના સહકારથી તેમના હિત માટે અમે ૨૪ કલાક કામ કરી રહ્યા છીએ.’ અભિનેતાએ લોકડાઉન દરમિયાન શહેરમાં ફસાયેલા મજૂર વર્ગ માટે પરિવહનની વ્યવસ્થા કરવા માટે ટોલફ્રી નંબર અને વૉટ્સએપ નંબર જાહેર કર્યો હતો.
નોંધનીય છે કે તાજેતરમાં સોનુએ દેશભરમાં વિવિધ ક્ષેત્રે કામદાર વર્ગને ટેકો મળે તે માટે નોકરીની તકો શોધી શકાય તેવી એક એપ્લિકેશન શરૂ કરી હતી.