જેતપુર જેટકો 66 કેવી સબ સ્ટેશન ખાતે સંવિધાન દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી.
![]()
અધિકારીઓ અને કર્મચારીઓએ સંવિધાનના આમુખનું સામૂહિક પઠન કરી લોકશાહી મૂલ્યોનું જતન અને રાષ્ટ્રસેવાનો સંકલ્પ લીધો
રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે જેટકોના 66 કેવી સબ સ્ટેશન જેતપુર-એ ખાતે ગૌરવપૂર્ણ માહોલમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જેટકો ધોરાજી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ, જનરલ સ્ટાફ, ઓપરેટિંગ તથા વહીવટી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય સંવિધાનના મુખ્ય ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર તથા સંવિધાન સભાના સભ્યોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઊભા રહી ભારતીય સંવિધાનના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું અને લોકશાહીના મૂલ્યોનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે ડૉ. બી.આર. આંબેડકરની તસવીરનું અનાવરણ કાર્યપાલક ઇજનેર એમ.આર. ચોરવાડા તથા જેતપુર ગ્રુપનાં જુનિયર ઇજનેર પી.આર. મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતાં કાર્યપાલક ઇજનેર એમ.આર. ચોરવાડાએ જણાવ્યું હતું કે, સંવિધાન આપણને માત્ર અધિકારો જ નહીં, પરંતુ નાગરિક સેવા અને ફરજોનું પણ ભાન કરાવે છે. વીજ વિભાગના કર્મચારી તરીકે કોઈપણ ભેદભાવ વિના છેવાડાના માનવી સુધી અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પહોંચાડવો એ જ સંવિધાન પ્રત્યેની સાચી નિષ્ઠા છે. તેમણે વીજળીની બચત તથા સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પૂરી ઈમાનદારી, સલામતી અને સમર્પણભાવ સાથે લોકસેવા તથા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.












