જેતપુરમાં અજાણી મહિલાની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો: 90 CCTV કેમેરા તપાસી ચાર આરોપીઓને ઝડપી પાડતી પોલીસ!.
![]()
ઝેરી દવા પીવડાવ્યા બાદ દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કર્યાનો ખુલાસો; અંગત સંબંધોની અદાવત હત્યાનું કારણ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું.
જેતપુર શહેરના નવાગઢ રોડ પર રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તે બંધ કેબિન પાછળથી તા. 11 નવેમ્બરના રોજ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. આશરે 35થી 40 વર્ષની મહિલાની ઓળખ કરવી અને હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો. જોકે, જેતપુર શહેર પોલીસે ગણતરીના કલાકોમાં મહિલાની ઓળખ કરી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મૃતક મહિલાની ઓળખ હકુબેન ભાવેશભાઈ પરમાર, રહે. હાથિયાધાર, પાલિતાણા, જિલ્લા ભાવનગર તરીકે થઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS), રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS) તથા જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ (IPS)ના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ. શર્મા અને PSI આર.બી. બલદાણીયાની દેખરેખ હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. બનાવસ્થળ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસતાં એક શંકાસ્પદ રિક્ષામાં ચાર વ્યક્તિઓ જોવા મળ્યા હતા. પોલીસે રિક્ષા પસાર થઈ હોય તેવા માર્ગો પર આશરે 90 જેટલા CCTV કેમેરાના ફૂટેજ તપાસી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ચારેય આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મૃતક મહિલા અને આરોપીઓ વચ્ચે અંગત સંબંધોને લઈને મનદુઃખ અને અવારનવાર ઝઘડા થતા હતા. આ અદાવતને કારણે આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ મૃતક મહિલાને જૂનાગઢથી રિક્ષામાં જેતપુર લઈ આવ્યા હતા. ત્યારબાદ સોડામાં ઝેરી દવા ભેળવી પીવડાવી હતી. મહિલા જીવિત રહેતાં દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી મૃતદેહને બંધ કેબિન પાછળ ફેંકી દીધો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
આ ગુનામાં પોલીસે લક્ષ્મણનાથ ઉર્ફે લાખો પીરૂનાથ અંકોલિયા, ભૂપતભાઈ પોપટભાઈ વાઘેલા, મધુબેન લક્ષ્મણભાઈ પીરૂનાથ અંકોલિયા અને રાધાબેન સૈયદ શેખની ધરપકડ કરી છે. પોલીસે લાલ રંગની બંગડી, ઝેરી દવાની બોટલ અને અતુલ શક્તિ ઓટો રિક્ષા કબજે કરી છે.
આ અંગે જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1), 61(2) અને 3(5) મુજબ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ. શર્મા, PSI આર.બી. બલદાણીયા, બી.ડી. મારુ, ASI મિલનસિંહ ડોડીયા, હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ મકવાણા, ભગીરથસિંહ જાડેજા, અમિતભાઈ સિદ્ધપરા, લખુભા રાઠોડ અને પ્રદીપભાઈ અગરીયા સહિતની પોલીસ ટીમ જોડાઈ હતી.












