ગોંડલના ત્રાકુડા ગામની સીમમાં મહિલાની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો.

Loading

પાવડાના ઘા મારી મહિલાની હત્યા કરી ભાગી ગયેલો પરપ્રાંતીય ખેતમજૂર ઝડપાયો, હત્યામાં વપરાયેલું હથિયાર કબજે.

ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામની સીમમાં વાડી ખાતે મહિલાની હત્યાના બનાવમાં ગોંડલ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

        (મૃતક:-જોશનાબેન ઉર્ફે જ્યોત્સનાબેન)

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ત્રાકુડા ગામની સીમમાં આવેલી વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા મધ્યપ્રદેશના ચૌરા ગામના રાજુભાઈ રમેશભાઈ ડોડીયાર (ઉં.વ. ૨૯) સાથે વાડીના કામકાજ બાબતે મૃતક જોશનાબેન ઉર્ફે જ્યોત્સનાબેન અને તેમના પતિ જીતેન્દ્રભાઈને અવારનવાર બોલાચાલી થતી હતી. બનાવના દિવસે પણ કામ બાબતે ઠપકો આપવામાં આવતાં મનદુઃખ રાખી આરોપીએ વાડીમાં હાજર જોશનાબેન પર પાવડાથી માથાના ભાગે તથા શરીરે ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન જીતેન્દ્રભાઈ સાથે પણ ઝપાઝપી કરી આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઇજાઓના કારણે જોશનાબેનનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૩૫૧(૩) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધાયો હતો.

હત્યાના બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપી રાજુભાઈ રમેશભાઈ ડોડીયારને ઝડપી પાડ્યો હતો. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલું પાવડું પણ કબજે કર્યું છે. ગુનાને લગતા વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે.

ઝડપાયેલ આરોપી: રાજુભાઈ રમેશભાઈ ડોડીયાર (ઉં.વ. ૨૯), રહે. ચૌરા ગામ, તા. પીટોલ, જિ. જાંબુઆ, મધ્યપ્રદેશ.

પોલીસ ટીમ: ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના PI યુ.આર. ડામોર, PSI આર.જે. જાડેજા, ASI વીરભદ્રસિંહ સરદારસિંહ, ASI કર્મરાજસિંહ અનિરૂદ્ધસિંહ, UHC ધર્મેન્દ્રસિંહ દાનુભા, પંકજભાઈ હરજીભાઈ, અજયસિંહ પ્રવીણસિંહ તથા PC અરવિંદભાઈ પોપટભાઈ, જયદીપભાઈ જોરુભાઈ અને ભગીરથભાઈ નાગભાઈ સહિતની ટીમે કામગીરી કરી હતી.

error: Content is protected !!