શાપર સ્થિત પંચનાથ ઓટો કંપની પાસે GPCB અધિકારીઓના નામે રૂ.30 લાખની ખંડણી માગવાના આક્ષેપમાં પ્રતાપ સોલંકી અને ધીરૂભાઈ ચાવડા ઝડપાયા; રાજકોટ ગ્રામ્ય LCBની કાર્યવાહી.
![]()
GPCBના મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું જણાવી કંપનીને બદનામ કરવાની ધમકી; રૂ.30 લાખની ખંડણી માગવાના કેસમાં બે શખ્સો ઝડપાયા
રૂ.1 લાખની બળજબરીપૂર્વક વસૂલાત કર્યાનો આક્ષેપ; રાજકોટ ગ્રામ્ય LCBએ ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડી રૂ.1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

રાજકોટ: GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ના મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું જણાવી શાપરની પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડ કંપની વિરુદ્ધ કાર્યવાહી નહીં કરાવવા તેમજ ફેસબુક પર કંપનીની બદનામી કરવાની ધમકીઓ આપી રૂ.30 લાખની માગણી કરવાના પ્રકરણમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
https://www.facebook.com/share/v/1DtZyind5e/
પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ કંપની વિરુદ્ધ અલગ-અલગ સરકારી કચેરીઓમાં ખોટી અરજીઓ કરી હતી અને પ્રદૂષણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું જણાવી કંપની વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તથા અધિકારીઓ દ્વારા હેરાનગતિ નહીં થાય તે માટે વકીલ મારફતે રૂ.30 લાખની માગણી કરી હતી. ફરિયાદીએ નાણાં આપવાનો ઇનકાર કરતાં કંપનીના કર્મચારીઓના હાથ-પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત GST, ઇન્કમટેક્સ, ઇન્ડસ્ટ્રીયલ, પોલ્યુશન વિભાગ, GPCB અને એટ્રોસિટી હેઠળ ફરિયાદ કરવાની તથા પોતાના ફેસબુક પેજ પર કંપનીની બદનામી કરવાની ધમકી આપી રૂ.1 લાખ બળજબરીથી મેળવી લીધા હોવાનો અને બાકીના રૂ.29 લાખની માગણી કરી ધાકધમકી આપવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે શાપર (વે.) પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 1709/2026થી ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 308(5) અને 351(3) મુજબ ગુનો નોંધાયો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના સીધા માર્ગદર્શન હેઠળ LCBની ટીમે તપાસ હાથ ધરી પ્રતાપ મગનભાઈ સોલંકી (ઉં.વ.30), રહે. લક્ષ્મણ ટાઉનશિપ, જીવરાજ પાર્ક, રાજકોટ અને ધીરૂભાઈ રામજીભાઈ ચાવડા, રહે. શીતળા માતા મંદિર પાછળ, પારડી, તા. લોધિકા, જિ. રાજકોટને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1 લાખ રોકડા તથા ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂ.30 હજાર મળી કુલ રૂ.1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરી LCBના PI જે.પી. રાવ, PSI એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ સહિતના સ્ટાફ તેમજ શાપર (વે.) પોલીસ સ્ટેશનના PI આર.બી. રાણા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.












