ગોંડલમાં ₹26 લાખની ઠગાઈ: પતિને જેલમાંથી છોડાવવા અને કેસમાં નામ ન ખોલવાની લાલચ આપી મહિલા સાથે છેતરપિંડી, પત્રકાર સહિત 3 આરોપીઓ સામે FIR.

Loading

ગોંડલમાં કરોડો રૂપિયાની આંગડિયા પેઢીની ઉચાપતના કેસમાં જેલમાં બંધ પતિને એકાદ મહિનામાં જામીન પર છોડાવી દેવા તથા કેસમાં મહિલા અને તેમના સસરાનું નામ ન ખોલવાની લાલચ આપી કટકે-કટકે રૂ. 26 લાખ પડાવી લેવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ગોંડલ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલના પત્રકાર રવિ રામાણી સહિત ત્રણ શખ્સો સામે ગુનાહિત કાવતરું રચી નાણાં પડાવવા અંગે ગુનો નોંધાયો છે.
પોલીસ, કોર્ટ અને જેલ તંત્રમાં વહીવટના નામે ખર્ચ બતાવ્યો
ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા વલ્લભ વાટીકા સોસાયટીમાં રહેતા સોનલબેન મયુરભાઇ ઢોલ (ઉં.વ. ૪૨) ના પતિ મયુરભાઇ ઢોલ પી.એમ. આંગડિયા પેઢીમાં આશરે બે કરોડ રૂપિયાની ઉચાપતના ગુનામાં સબ જેલમાં બંધ છે. ફરિયાદ મુજબ, આ કેસમાં આરોપી મયુર સોની, સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ ચલાવતા પત્રકાર રવિ રામાણી અને અજય નામના શખ્સે ભેગા મળી મહિલાને તેના તથા તેના સસરાનું નામ આ ગુનામાં ખુલે તેવો ભય બતાવ્યો હતો. આરોપીઓએ પોલીસ અધિકારીઓ, એલસીબી, જજ તથા જેલ તંત્ર સાથે વહીવટ કરીને એકાદ મહિનામાં પતિના જામીન કરાવી દેવાની ખાતરી આપી રૂ. 26 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું.
દાગીના ગીરવે મૂકી અને ઉછીના લાવી મહિલાએ રૂ. 26 લાખ ચૂકવ્યા
પોલીસમાં નોંધાયેલી વિગત અનુસાર, સોનલબેને પોતાના તથા પરિવારના બચાવ માટે અજયના ડેલા પાસે તથા અલગ-અલગ સ્થળે જઈ કટકે-કટકે રકમ ચૂકવી હતી. સૌપ્રથમ ઘરમાં રહેલા તથા સગા પાસેથી મેળવેલા રૂ. 7 લાખ અજયના ડેલા ખાતે આપ્યા હતા. ત્યારબાદ સસરાને કેસમાં ન પકડવા માટે વધુ રૂ. 1 લાખ આપ્યા હતા. ત્યારપછી બેંકમાં સોનાના દાગીના ગીરવે મૂકી રૂ. 6 લાખની લોન મેળવી તેમાંથી રૂ. 1 લાખ અજયને અને રૂ. 5 લાખ પત્રકાર રવિ રામાણીને આપ્યા હતા. છેલ્લે પતિને જેલમાં હેરાન ન કરવા માટે જેલ તંત્રના વહીવટ પેટે બહેન-બનેવી તથા માતા પાસેથી ઉછીના લાવી વધુ રૂ. 10 લાખ રવિ રામાણીને ડુંગર હીર ધ્વારે આપ્યા હતા.
જામીન ન થતાં તપાસ કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી
લાંબો સમય વિતી ગયા છતાં પતિના જામીન ન થતાં અને આરોપીઓનું કામ શંકાસ્પદ જણાતાં મહિલાએ પોતાની રીતે તપાસ શરૂ કરી હતી. આ બાબતની જાણ થતાં આરોપીઓએ મહિલાને અજયના ડેલા ખાતે બોલાવીને “જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશું અને તારા પતિને જેલમાં વધારે તકલીફ પડશે” તેવી ધમકી આપી હતી.
3 આરોપીઓ સામે ફરિયાદ દાખલ
આખરે ગભરાયેલી મહિલાએ હિંમત ભેગી કરી ગોંડલ બી-ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ રવીભાઇ રામાણી, અજયભાઈ (ગુંદાળા બ્રીજ નીચે મુર્તીના ડેલાવાળા) અને મયુરભાઈ સોની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 61(2), 308(7) અને 351(3) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એ.વી. સાંકહટે હાથ ધરી છે.

error: Content is protected !!