પાટણવાવના લાઠ ગામે વૃદ્ધ દંપતીને બેભાન કરી સોનાનો હાર ઓગાળીને ઠગનાર બે શાતિર આરોપી LCB રાજકોટ ગ્રામ્યના હાથે ઝડપાયા.

Loading

પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના લાઠ ગામે આરોગ્ય વિભાગના કર્મચારીની ખોટી ઓળખ આપી વૃદ્ધ દંપતી સાથે છળકપટ કરી સોનાનો હાર ઓગાળી લઈ જનાર બે શાતિર આરોપીઓને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.એ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ તા. 06/10/2026ના રોજ લાઠ ગામે એક વૃદ્ધ દંપતીના ઘરે બે શખ્સોએ આરોગ્ય વિભાગના કર્મચારી હોવાનું જણાવી પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ વૃદ્ધ દંપતીના ચહેરા પર ઝેરી પ્રવાહીનો સ્પ્રે છાંટી તેમને બેભાન કરી દીધા હતા. ત્યારબાદ વૃદ્ધાના ગળામાં રહેલી તુલસીની સોનાથી મઢેલી આશરે 20 ગ્રામ વજનની માળામાંથી સોનાના કવરો કાઢી આશરે ₹90 હજારની કિંમતનું સોનું ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક **વિજયસિંહ ગુર્જર (IPS)**ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ચીચોડ ગામના પાટિયા નજીક વોચ ગોઠવી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં અંકલેશ વિદ્યાનંદ પોદરા, મૂળ તુલશીપુર જમુનિયા, તા. નવગછીયા, જી. ભાગલપુર (બિહાર), હાલ જુનાગઢ ધરાનગર ખાતે રહેતો તથા સાજનકુમાર રામચંદ્રભગત જયસ્વાલ, મૂળ લક્ષ્મીપુર ગામ, પકરા, તા. નવગછીયા, જી. ભાગલપુર (બિહાર), હાલ જુનાગઢ રાજીવનગર ખાતે ભાડે રહેતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે બંને આરોપીઓ પાસેથી બે મોબાઇલ ફોન, એક મોટરસાઇકલ, સોનું ઓગાળવા અને દાગીના સાફ કરવા માટેના વિવિધ કેમિકલ, પાવડર, સાધનો તથા આશરે ₹99,298 કિંમતનો સોનાનો ઢાળિયો સહિત કુલ ₹1,40,868નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના PI જે.પી. રાવ, PSI કે.એમ. ચાવડા, PSI એચ.સી. ગોહીલ, PSI આર.વી. ભીમાણી, PSI પી.એન. ભરવાડ, ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ASI અનિલભાઈ બળકોદિયા, ASI મેહુલભાઈ સુવા, HC અરવિંદસિંહ જાડેજા, HC નીલેશભાઈ ડાંગર, HC કૌશિકભાઈ જોષી, PC શક્તિસિંહ જાડેજા તથા ડ્રાઇવર PC અબ્દુલભાઈ શેખની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

લોકજાગૃતિ સંદેશ:

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોના-ચાંદીના દાગીના, વાસણો અથવા અન્ય કિંમતી ધાતુની વસ્તુઓ સાફ કે ચમકાવવાના બહાને આવતા અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો અને શંકાસ્પદ વ્યક્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવી.

error: Content is protected !!